નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે મહાકુંભમાં મૌની અમાસે ભાગદોડને મુદ્દે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. આ દુર્ઘટનામાં મૃતકોના આંકડાને લઈને વિપક્ષ માગ કરી રહ્યો છે. વિપક્ષના સાંસદોએ માગ કરી હતી કે કુંભમાં મૃત્યુ પામેલા લોકોની યાદી જાહેર કરવામાં આવે. વિરોધ પક્ષના સાંસદ લોકસભામાં સ્પીકરની સામે દેખાવો કરી રહ્યા છે.
કોંગ્રેસના સાંસદ મનિકમ ટૈગોરે તામિલનાડુમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરન્ટી યોજના (મનરેગા) ગેઠળ રૂ. 1056 કરોડનાં બાકી લેણાં જારી કરવા મુદ્દે ચર્ચા માટે લોકસભામાં પ્રસ્તાવની નોટિસ આપી છે.આ ઉપરાંત વકફ (સંશોધન) બિલ 2024 પર સંયુક્ત સંસદ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ સંસદમાં રિપોર્ટ રજૂ કરશે. સમિતિએ 14 ખંડો અને વિભાગોમાં 25 સુધારા સાથે બિલને મંજૂરી આપી છે.આ પછી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર ચર્ચા શરૂ કરી શકે છે. તેઓ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. રાહુલનું કહેવું છે કે આ બજેટ ગોળી વાગવા પર બેન્ડ-એઈડ લગાવવા જેવું છે.
JPCએ 30 જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ડ્રાફ્ટ રિપોર્ટ સોંપ્યો હતો. આ દરમિયાન જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલ, નિશિકાંત દુબે અને ભાજપના અન્ય સાંસદો હાજર હતા. વિપક્ષનો કોઈ સાંસદ દેખાતા ન હતો. JPCએ 29 જાન્યુઆરીએ ડ્રાફ્ટ રિપોર્ટને મંજૂરી આપી હતી. તેની તરફેણમાં 16 સભ્યોએ મતદાન કર્યું હતું. જ્યારે 11 સભ્યોએ વિરોધ કર્યો હતો.JPCના અધ્યક્ષ પાલે કહ્યું હતું કે અમારી સામે 44 ખંડ હતા, જેમાંથી સભ્યોએ 14 ખંડમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમે બહુમતીથી મતદાન કર્યું અને પછી આ સુધારાઓ સ્વીકારવામાં આવ્યા હતા.
આ સમિતિમાં સામેલ વિપક્ષી સાંસદોએ આ બિલ સામે વાંધો ઉઠાવ્યો હતો. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે અમને 655 પાનાંનો ડ્રાફ્ટ રિપોર્ટ મળ્યો છે. 655 પાનાંનો રિપોર્ટ એક રાતમાં વાંચવો અશક્ય હતો. મેં મારી અસંમતિ વ્યક્ત કરી છે અને સંસદમાં પણ હું આ બિલનો વિરોધ કરીશ.