નોઇડાઃ ગ્રેટર નોઈડામાં પંજાબ નેશનલ બેંક (PNB)ની એક શાખામાં ખાતાધારકોના કરોડો રૂપિયાની કથિત ઉચાપતનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આશરે 35 કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ હોવાની આશંકા છે. આ મામલો સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં ગ્રાહકો બેંકમાં પહોંચવા લાગ્યા છે.
ગ્રાહકોનો આરોપ છે કે તેમની જાણકારી વિના FD બંધ કરી દેવામાં આવી અને ખાતામાંથી પૈસા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. અનેક લોકોએ પોતાની જમા મૂડી પરત અપાવવાની માગ કરી છે. બીજી તરફ, બેંક દ્વારા ગ્રાહકોને તેમની રકમ પરત મળવાનો ભરોસો આપવામાં આવી રહ્યો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
PNBની કઈ શાખાનો છે મામલો?
આ મામલો ગ્રેટર નોઈડાના સેક્ટર પાઈ-1 વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકની શાખા સાથે સંબંધિત છે. અહેવાલ અનુસાર આ શાખા ઐચ્છર ગામમાં આવેલી છે. અહીં અનેક ખાતાધારકોએ પોતાની બચત અને FDના સ્વરૂપમાં મોટી રકમ જમા કરાવી હતી. આરોપ છે કે કેટલાક ખાતાધારકોની FD સમય પહેલાં જ બંધ કરી દેવામાં આવી અને તેમની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી. કેટલાક ગ્રાહકોએ પોતાના બચત ખાતામાંથી પણ લાખો રૂપિયા ગાયબ થયાની ફરિયાદ કરી છે. જોકે તપાસ પૂર્ણ થયા બાદ જ કુલ કેટલી રકમ પ્રભાવિત થઈ છે તે સ્પષ્ટ થશે.
80 લાખ રૂપિયાની FD ગાયબ!
બેંકમાં પહોંચેલા ગ્રાહકોએ પોતાની મુશ્કેલીઓ જણાવતાં અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. અમરપાલ નામના એક ખાતાધારકનું કહેવું છે કે બેંકમાં તેમની 80 લાખ રૂપિયાની ત્રણ FD હતી. તેમનો આરોપ છે કે તેમની જાણકારી વિના આ FD બંધ કરી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમને પોતાની રકમ પરત મળવાની રાહ જોવી પડી રહી છે.
અન્ય એક ખાતાધારક બૃજેશ કુમારે જણાવ્યું હતું કે તેમના ખાતામાં 1.18 કરોડ રૂપિયા હતા. જ્યારે તેઓ પૈસા ઉપાડવા માટે બેંક પહોંચ્યા, ત્યારે તેમને ખાતામાં શૂન્ય બેલેન્સ હોવાની જાણ કરવામાં આવી. બૃજેશના જણાવ્યા અનુસાર, બેંક દ્વારા દિવાળી પહેલાં પૈસા પરત મળવાનો ભરોસો આપવામાં આવ્યો છે.

બેંકે શું કહ્યું?
પંજાબ નેશનલ બેંકના ચીફ મેનેજર રાજેશ નિગમે ખાતાધારકોને આશ્વાસન આપ્યું છે. લોકોના સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે પ્રક્રિયા ચાલી રહી છે અને દરેકને પોતાના પૈસા મળશે. જોકે બેંક મેનેજરે આ મામલે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
મેનેજર સહિત પાંચ કર્મચારીઓ સસ્પેન્ડ
આ મામલો સામે આવ્યા બાદ બેંક દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. મિડિયા અહેવાલો અનુસાર શાખા મેનેજર સહિત પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાખામાં નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. બેંકની આંતરિક ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે.






