નોઇડાઃ CBIએ પંજાબ નેશનલ બેંક (PNB)ની ગ્રેટર નોઇડાના પાઈ સેક્ટર સ્થિત શાખામાં રૂ. 10.24 કરોડની કથિત છેતરપિંડીના મામલે બેંકની એક મહિલા કર્મચારી અને પુણેથી એક ખાતાધારકની ધરપકડ કરી છે. કર્મચારીની ઓળખ દીપાંશી તરીકે થઈ છે, જે બેંકમાં ઓફિસ આસિસ્ટન્ટ/સબ-સ્ટાફ તરીકે કામ કરતી હતી. બેંક દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં તેનું નામ સામેલ હતું. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલી તે બેંકની પ્રથમ કર્મચારી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ 29 ઓક્ટોબરે વિવિધ ગ્રાહકોના ખાતામાંથી રૂ. 10.24 કરોડની ગેરકાયદે ઉપાડના મામલે FIR નોંધાવી હતી. આ રકમ કથિત રીતે આરોપી દીપાંશીએ ઉપાડી હતી.
CBIનો આરોપ છે કે દીપાંશીએ ખાતાધારક આશુતોષ કુમાર પાઠક અને અન્ય અજાણી વ્યક્તિઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું અને ગેરકાયદે નાણાકીય વ્યવહારો કર્યા હતા. અહેવાલ અનુસાર CBIના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે પુણેની CBIની વિશેષ અદાલતમાંથી ખાનગી આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડનો આદેશ મેળવી લેવામાં આવ્યો છે.

CBIએ પોતાની એફઆઈઆરમાં દીપાંશી, પાઠક અને કેટલાક અજાણ્યા સરકારી તથા ખાનગી વ્યક્તિઓને આરોપી બનાવ્યા છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનાહિત કાવતરું, વિશ્વાસઘાત, છેતરપિંડી, ખાતાઓમાં ગેરરીતિ અને સરકારી કર્મચારીઓ દ્વારા ગુનાહિત ગેરવર્તણૂકના આરોપો લગાવવામાં આવ્યા છે. બેંક દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે સીબીઆઈએ 29 ઓક્ટોબરના રોજ કેસ દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ, દીપાંશીએ એક ખાનગી વ્યક્તિ અને અન્ય કેટલાક અજાણ્યા લોકો સાથે મળીને અનેક ગ્રાહકોના ખાતામાંથી રૂ. 10.24 કરોડની ગેરકાયદે ઉપાડ કરી હતી. સીબીઆઈએ જણાવ્યું હતું કે આ કેસમાં સામેલ ખાનગી વ્યક્તિને પુણેની વિશેષ સીબીઆઈ અદાલતના આદેશથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.




