અંગ્રેજના જમાનામાં આ મહાલક્ષ્મી મંદિર ખુલ્લું મુકાયું!

દિવાળીના પર્વમાં ધનતેરસનું અલગ જ મહત્વ છે. આ દિવસે ઘર મંદિરમાં સાફ સફાઇની સાથે સોનું ચાંદી, રૂપિયા પૈસા સાથે ઘરમાં રહેલા તમામ પ્રકારના ધનની પૂજા થાય છે. આ પૂજા નિમિત્તે લક્ષ્મીજી ધન વૈભવ સંપત્તિમાં સારી રીતે વધારો કરે એવી મનોકામના સાથે આશિર્વાદ લેવામાં આવે છે. આ તો થઇ ઘરના લક્ષ્મી પૂજનની આ સાથે શહેરના મહાલક્ષ્મીના મંદિરોમાં પણ પૂજા અર્ચના થાય છે.

અમદાવાદ શહેરમાં દોશીવાડાની પોળમાં 755 વર્ષ કરતાં જૂનું મહાલક્ષ્મીજીનું મંદિર છે. હેરિટેજ મંદિરોથી ભરપૂર આ પોળમાં લક્ષ્મીજીની મૂર્તિ બેઠા સ્વરૂપે છે. એક મહાલક્ષ્મી મંદિર પાલડીથી વાસણા જવાના માર્ગ પર આવેલું છે. જ્યારે અમદાવાદ શહેરના એલિસબ્રિજ ના છેડે માણેક બુરજની પાછળ મહાલક્ષ્મીનું એક મંદિર આવ્યું છે.

વિક્ટોરિયા ગાર્ડનથી ગુજરી બજારના રસ્તે જતાં જ આવતું મહાલક્ષ્મીનું મંદિર અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવ્યું હતું. ભદ્રકાળી માતાના અધ્યક્ષ રામબલી તિવારીએ તૈયાર કરેલા મુનાબાઇ આશ્રમ સંકુલમાં મહાલક્ષ્મીનું મંદિર આવેલું છે. કમળ પર ઉભેલા મહાલક્ષ્મીજીની વિશાળ મૂર્તિ હેરિટેજ અમદાવાદની એક અનોખી ધરોહર છે. ભદ્રકાળી મંદિર સંકુલ પાસે બિરાજમાન મહાલક્ષ્મીજીની મૂર્તિને પૂજા અર્ચના કરતાં પરિવારોએ અન્ય સ્થળે લઇ જવાની રજુઆત કરી. ત્યારે અંગ્રેજોના શાસનકાળના કલેક્ટરે સાબરમતીના કાંઠે જગ્યા આપી હતી. અત્યારે રિવરફ્રન્ટ નજીકનું આ મહાલક્ષ્મી મંદિર તૈયાર થયા પછી અંગ્રેજો વખતના કલેક્ટર જી.જી. ડ્રયુ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)