મહાદેવ સટ્ટા એપ કેસમાં CBIની મોટી કાર્યવાહી, 6 રાજ્યોમાં 33 સ્થળોએ દરોડા

મહાદેવ ઓનલાઈન સટ્ટા એપ કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરતાં છ રાજ્યોમાં 33 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરમિયાન મોબાઈલ ફોન, ડિજિટલ ડિવાઇસ અને મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

CBIના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર પાસેથી પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં સટ્ટાના નાણાકીય વ્યવહારો માટે મ્યુલ બેંક એકાઉન્ટ્સ અને હવાલા નેટવર્કનો ઉપયોગ થતો હોવાના સંકેતો મળ્યા છે.

દરોડા દરમિયાન અનેક સ્થળોએ લાઈવ સટ્ટાના પેનલ પણ કાર્યરત મળી આવ્યા હતા, જેને બંધ કરાવવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે વિદેશમાં મુખ્ય ઓફિસથી આ નેટવર્ક ચલાવવામાં આવતું હતું, જ્યારે ભારતમાં પેનલ ઓપરેટરો ગ્રાહકોની આઈડી અને નાણાકીય વ્યવહારો સંભાળતા હતા.

ઉલ્લેખનીય છે કે સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત પ્રત્યાર્પણ કર્યા બાદ 1 નવેમ્બરે CBIએ તેની ધરપકડ કરી હતી. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.