અમેરિકા પર હવાઈ ટ્રાફિક સંકટ, 2000 થી વધુ ફ્લાઇટ્સ રદ

અમેરિકાના પરિવહન મંત્રી શોન ડફીએ જણાવ્યું હતું કે શુક્રવારે સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 3:36 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરોમાં રડાર અને કમ્યુનિકેશન ડેટા અસ્થિર થવા લાગ્યો હતો. તે સમયે 3,500થી વધુ વિમાનો હવામાં હતાં. જૂના એનાલોગ સાધનો પર ડેટાનો વધુ પડતો ભાર આવતાં આ સમસ્યા સર્જાઈ હતી. જોકે, સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થઈ નહોતી.

ડફીના જણાવ્યા અનુસાર,પાઇલટ્સ અને એર ટ્રાફિક કંટ્રોલરોએ નિર્ધારિત સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરીને વિમાનોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યાં હતાં. જરૂરી મેડિકલ અને કાયદા અમલીકરણ સંબંધિત ફ્લાઇટ્સને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

સાયબર હુમલાના કોઈ પુરાવા નહીં

હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી માર્કવેન મુલિને જણાવ્યું હતું કે તપાસકર્તાઓને અત્યાર સુધી સાયબર હુમલા કે સિસ્ટમમાં કોઈ ઘૂસણખોરીના પુરાવા મળ્યા નથી. આ સમસ્યા માઇક્રોસોફ્ટના અન્ય કોઈ ટેક્નિકલ આઉટેજ સાથે પણ સંબંધિત નથી. અધિકારીઓ હાલ ખામીનું ચોક્કસ કારણ શોધી રહ્યા છે અને કોઈ પણ શક્યતાને નકારી રહ્યા નથી.

50 અબજ ડૉલરના આધુનિકીકરણની માગ

આ ઘટનાના પગલે પરિવહન મંત્રી શોન ડફીએ અમેરિકન કોંગ્રેસ પાસે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના આધુનિકીકરણ માટે વધારાના 50 અબજ ડૉલરની માગ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અગાઉ આ સિસ્ટમના આધુનિકીકરણ માટે 12.5 અબજ ડૉલરની મંજૂરી આપી ચૂકી છે, પરંતુ સમગ્ર નેટવર્કને આધુનિક બનાવવા માટે આ રકમ પૂરતી નથી. 50 અબજ ડૉલરની નવી માગ હાલ માત્ર પ્રસ્તાવ છે, તેને મંજૂરી મળી નથી.

ડફીએ ચેતવણી આપી હતી કે જૂના સ્વિચ અને રાઉટર બદલવામાં સમય લાગશે. ત્યાં સુધી આવી ટેક્નિકલ સમસ્યા ફરી સર્જાવાની શક્યતા રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે થેન્ક્સગિવિંગના વ્યસ્ત પ્રવાસન સમયગાળા પહેલાં હવાઈ સેવાઓની સ્થિતિ સુધરશે.

યાત્રીઓને એરલાઇન્સ પાસેથી માહિતી મેળવવાની સલાહ

FAAએ શુક્રવારે રાત્રે 8:19 વાગ્યે ઇસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઇમ મુજબ દેશવ્યાપી ગ્રાઉન્ડ સ્ટોપ હટાવવાની જાહેરાત કરી હતી. જોકે, ફ્લાઇટ્સમાં થયેલા વિલંબ અને રદ થવાને કારણે એરલાઇન્સ સામે પાઇલટ્સ તથા કેબિન ક્રૂની ઉપલબ્ધતા જાળવવાનો પડકાર છે. કેટલાક યાત્રીઓને તેમની મંઝિલ સુધી પહોંચવા માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડી શકે છે.

પરિવહન મંત્રીએ યાત્રીઓને એરપોર્ટ જતાં પહેલાં પોતાની ફ્લાઇટની તાજી સ્થિતિ એરલાઇન્સ પાસેથી તપાસવાની સલાહ આપી છે.