નવી દિલ્હીઃ બિહાર પોલીસે ગોપાલગંજમાં એક ચા વેચનારાના ઘરમાં દરોડો પાડી રૂ. 1.05 કરોડથી વધુ રોકડ અને મોટી માત્રામાં દાગીના જપ્ત કર્યા છે.પોલીસે બે ભાઈઓને ધરપકડ કરી છે, જેઓ પર આંતરરાજ્ય સાયબર ગુનાહિત નેટવર્ક ચલાવવાનો આરોપ છે. ગુપ્ત માહિતીને આધારે પોલીસે 17 ઓક્ટોબરની રાત્રે અમૈઠી ખુર્દ ગામમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે જે સામાન જપ્ત કર્યો તે ચોંકાવનારો હતો.
ચા વેચનારાના ઘરમાંથી રૂ. 1,05,49,850 રોકડ, 344 ગ્રામ સોનું અને 1.75 કિલોગ્રામ ચાંદી મળી આવી। સાયબર DSP અવંતિકા દિલીપકુમારે જણાવ્યું કે જપ્ત કરાયેલા સામાનમાં 85 ATM કાર્ડ, 75 બેંક પાસબુક, 28 ચેકબુક, આધાર કાર્ડ, બે લેપટોપ, ત્રણ મોબાઇલ ફોન અને એક લક્ઝરી કાર પણ સામેલ છે. DSPએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ ઠગાઈથી મેળવેલા પૈસા અનેક બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને પછી તેને રોકડમાં ફેરવતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી અભિષેકકુમાર પહેલા નાની ચાની દુકાન ચલાવતો હતો. બાદમાં તે કથિત રીતે સાયબર ગુનાહિત રેકેટમાં જોડાયો અને દુબઈ ચાલ્યો ગયો, જ્યાંથી તે ઠગાઈના ઓપરેશનનું સંચાલન કરતો હતો. તેની ભાઈ આદિત્યકુમાર ભારતમાં ટ્રાન્ઝેક્શન અને લોજિસ્ટિક્સનું કામ સંભાળતો હતો.
પોલીસે શોધ્યું કે જપ્ત કરાયેલ મોટા ભાગની પાસબુક બેંગલુરુની બેંકોમાંથી જારી થઈ હતી, જેના કારણે તપાસનો વિસ્તાર અન્ય રાજ્યો સુધી વધારવામાં આવ્યો છે. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ ખાતાઓ કોઈ રાષ્ટ્રીય સ્તરના સાયબર નેટવર્ક સાથે જોડાયેલા તો નથીને.
ધરપકડ કરાયેલા બંને ભાઈઓની છેલ્લા બે દિવસથી પૂછપરછ ચાલી રહી છે અને પોલીસે જપ્ત કરાયેલાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ડેટાનું વિશ્લેષણ શરૂ કર્યું છે જેથી નેટવર્કના અન્ય સભ્યોની ઓળખ કરી શકાય. આ તપાસમાં આવકવેરા વિભાગ અને આતંકવાદ વિરોધી દળ (ATS) પણ જોડાઈ ગયાં છે જેથી પૈસાનો સ્ત્રોત અને સંગઠિત સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથેના સંભવિત સંબંધો શોધી શકાય.
