નવી દિલ્હીઃ US સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એલેના કૈગને તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી હતી. 26/11 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી. રાણાએ US સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક સ્ટે આપવાની માગ કરી હતી. આ અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે અને મને મારી નાખવામાં આવશે.
રાણાએ યુએસ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કહ્યું હતું કે હું પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છું અને પકિસ્તાની સેનાનો ભૂતપૂર્વ સભ્ય છું, જેને કારણે તેને હિરાસતમાં યાતનાઓ આપવામાં આવે એવી શકયતા છે તથા એની સ્વાસ્થ્યની સ્થિતિને જોતાં તેનું મોત પણ થઈ શકે, કેમ કે તેને અનેક રોગો થયા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર વધુ ને વધુ સરમુખત્યારશાહી બની રહી છે અને જો તેને ભારત સરકારને સોંપવામાં આવશે તો તેને ત્રાસ આપવામાં આવશે તેના પૂરતાં કારણો છે.
કોણ છે તહવ્વુર રાણા?
તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ સમય દરમિયાન, તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત ઉલ જેહાદ એ ઇસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવી અને તેને અંજામ આપવામાં મદદ કરી. આ કેસમાં આતંકવાદી હેડલી સરકારી સાક્ષી બન્યો છે.
