નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

નેપાળમાં હિંસા ફાટી નીકળતાં સ્થિતિ વણસી ગઈ છે. ત્યારે હવે નેપાળ ગયેલા ભારતના ઘણા પ્રવાસીઓ ફસાયા છે, જેમાં ગુજરાતના લોકો પણ સામેલ છે. આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારનું વહીવટીતંત્ર વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર પણ આ પ્રવાસીઓને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે પ્રયાસ કરી રહી છે. પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે વાતની સરકારને ચિંતા સતાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરના 43 લોકોનું એક ગ્રુપ ત્યાં ફસાયું છે. આ તમામ યાત્રાળુઓ પોખરામાં એક ગેસ્ટ હાઉસમાં સુરક્ષિત છે. આ તમામ યાત્રાળુઓએ એક વીડિયો સંદેશો મોકલીને સાંસદ અને ધારાસભ્યને મદદ માટે અપીલ કરી હતી.

મળતી વિગતો અનુસાર નેપાળની તણાવભરેલી પરિસ્થિતિની વચ્ચે ગુજરાતથી ફરવા માટે ગયેલા અનેક પ્રવાસીઓ નેપાળમાં ફસાયા છે. ભાવનગરથી 43 લોકોનું એક ગ્રુપ નેપાળ ફરવા માટે ગયું હતું અને બાદમાં નેપાળમાં શરૂ થયેલા આંદોલનને કારણે ત્યાં જ ફસાઈ ગયા હતા. હવે લોકોએ સરકાર પાસે મદદની માંગ કરી છે. ફસાયેલા લોકોના પરિવારે સ્થાનિક વહીવટી તંત્રનો સંપર્ક સાધતા તંત્રએ તમામને સુરક્ષિત પાછા લાવવાની ખાતરી આપી હતી. તંત્રએ જણાવ્યું છે કે આ તમામ લોકો સુરક્ષિત છે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. પરિસ્થિતિ સામાન્ય થતાં જ તેમને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

નેપાળમાં ફસાયેલા પ્રવાસીઓની માહિતી સ્થાનિક કોર્પોરેટરને મળતા તેમણે વીડિયો કોલના માધ્યમથી તમામ ફસાયેલ પ્રવસીઓના ખબર અંતર પૂછ્યા હતા. કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ દ્વારા તુરંત સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીને જાણ કરી હતી અને ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ફસાયેલ તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવાયુ હતું.