ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ઘટીને 4.87 ટકા થયો હતો

ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે ઓક્ટોબર મહિનામાં છૂટક મોંઘવારી દરમાં ઘટાડો થયો છે અને તે 4.87 ટકાના ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. સોમવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત છૂટક ફુગાવો સપ્ટેમ્બરમાં 5.02 ટકાના ત્રણ મહિનાના નીચા સ્તરે હતો.

અગાઉ જૂનમાં મોંઘવારી દર 4.87 ટકા નોંધાયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ તેની ઓક્ટોબરની બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં છૂટક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જે 2022-23માં 6.7 ટકા કરતા ઓછો છે. સરકારે RBIને રિટેલ ફુગાવાનો દર બે ટકાના તફાવત સાથે ચાર ટકા પર રાખવાની જવાબદારી સોંપી છે. મધ્યસ્થ બેંક દ્વિ-માસિક નાણાકીય નીતિને ધ્યાનમાં લેતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને જુએ છે.