1 જૂને ભારતના 50 શહેરોના 100 સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘મંથન’ 

આણંદઃ શ્યામ બેનેગલની ‘મંથન’ ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ના વર્લ્ડ પ્રીમિયરમાં જબરદસ્ત સફળતા મળી છે. ત્યારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા PVR-INOX લિમિટેડ અને સિનેપોલિસ ઇન્ડિયામાં ‘મંથન’ ફિલ્મ રિલીઝ કરવામાં આવી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, સુરત, રાજકોટ, મુંબઇ, પુણે, નાગપુર, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઇ, કોલકત્તા સહિત દેશના 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં 1લી અને 2જી જૂન, 2024ના રોજ ફિલ્મ રિલીઝ કરાશે.‘મંથન’ અસાધારણ ડેરી સહકારી ચળવળની શરૂઆતનું કાલ્પનિક સંસ્કરણ છે, શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનની પ્રેરણાથી ભારત દૂધની અછત ધરાવતા રાષ્ટ્રમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં પરિવર્તિત થયું છે. ‘મંથન’ ભારતની પ્રથમ ક્રાઉડફંડેડ ફિલ્મ છે. પાંચ લાખ ડેરી ખેડૂતો દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. જેના માટે દરેક ડેરી ખેડૂતે 2 રૂપિયાનું યોગદાન આપ્યું હતું.આ ફિલ્મમાં ગિરીશ કર્નાડ, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ડૉ મોહન અગાશે, કુલભૂષણ ખરબંદા, અનંત નાગ અને આભા ધુલિયા સહિતના કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. મંથનનું શૂટિંગ જાણીતા સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક ગોવિંદ નિહલાની દ્વારા કરવામાં આવ્યું હતું, અને સંગીત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાએ આપ્યું હતું.

GCMMF (અમૂલ) ના એમડી ડૉ જયેન મહેતાએ જણાવ્યું હતું કે, “ભારતને વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક બનાવવામાં ‘મંથન’ ફિલ્મનો ઘણો ફાળો છે. અમૂલ મોડલ પ્રમાણે અન્ય સહકારી ડેરીઓ બનાવવા માટે આ ફિલ્મ દ્વારા ફેલાવવામાં આવેલી જાગૃતીથી સમગ્ર દેશમાં સહકારી ડેરી ચળવળને વેગ આપી સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા રહી છે.”મંથન ફિલ્મના નિર્દેશક શ્યામ બેનેગલે જણાવ્યું હતું કે, “કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયરમાં ફિલ્મને મળેલા અદ્દભૂત પ્રતિસાદ વિશે સાંભળીને મને  ખૂબ આનંદ થયો. પરંતુ મને એ વાતનો વધુ આનંદ છે કે ફિલ્મ ફરી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 1976માં જ્યારે ‘મંથન’ રિલીઝ થઇ, ત્યારે નાના શહેરો અને ગામડાઓમાંથી ખેડૂતો બળદગાડામાં મુસાફરી કરીને આ ફિલ્મ જોવા આવતા હતા.”ફિલ્મના કલાકાર નસીરુદ્દીન શાહએ જણાવ્યું હતું કે, “કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મંથનનું પ્રીમિયર જોવુ મારા માટે ખૂબ જ ભાવનાત્મક અનુભવ હતો. હું લગભગ 50 વર્ષ પહેલાની યાદોથી અભિભૂત થઇ ગયો, જ્યારે સિનેમા પરિવર્તનનું માધ્યમ હતું, અંતે સ્ટેન્ડિંગ ઓવેશનથી આંખોમાં આસું આવી ગયા હતા. મને આશા છે કે લોકો મોટા પડદા પર ઐતિહાસિક ફિલ્મને જોવાની તક નહીં ગુમાવે.”