આમિર ખાને લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બોલિવૂડ અભિનેતા આમિર ખાન આ ખાસ પર્વએ ગુજરાત આવ્યો હતો. નર્મદા નદીના કિનારે બનેલા એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ આ સ્થળના વખાણ કર્યા હતા અને દેશવાસીઓને આ સ્થળની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી.

આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, મને સ્વતંત્રતા સેનાનીઓ પર બેસીને ચિંતન કરવાની તક મળી, જેમાં મારા પરદાદા મૌલાના આઝાદનો પણ સમાવેશ થાય છે, જેઓ સંઘર્ષમાં ગાંધીજીની સાથે હતા. તે મારા માટે ખૂબ જ ખાસ દિવસ હતો, અને મે ખરેખર મારી જાતને માણી છે. આ એક નોંધપાત્ર સ્થળ છે જેની કલ્પના પીએમ મોદીએ કરી હતી અને તેનું નિર્માણ કર્યું હતું. તે ખરેખર અસાધારણ બની ગયું છે. હું બધા નાગરિકોને અહીં મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરું છું.

તેમણે જણાવ્યું હતું કે, હું સમગ્ર દેશવાસીઓને કહીંશ કે આ એટલું ખાસ સ્થળ છે. આપણી એક મોર્ડન સાઇટ છે. હિસ્ટોરિક સાઇટ તો ઘણી છે ભારતમાં છે. પણ આ એક શ્રેષ્ઠ મોર્ડન સ્ટ્રક્ચર આપણે બનાવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ એક અદભૂત સ્થળ બનાવ્યું છે. આપણા બધા માટે એક યાદગાર વસ્તુ બની ગઇ છે. હું સમગ્ર દેશવાસીઓને કહું છું કે આ સ્થળની એકવાર મુલાકાત લો અને અહીંની એનર્જીને અનુભવો.