ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, ગુજરાતી સંગીત જગતને મોટી ખોટ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ સંગીત, લોકસંગીત અને સુગમ સંગીતના શિખર સમાન ગૌરાંગ વ્યાસનું નિધન થયું છે. દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયકનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે. 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના અવસાનથી સમગ્ર કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સંગીતનો એક વિરાટ સુવર્ણ યુગ અસ્ત થયો છે.

ગૌરાંગભાઈએ દાયકાઓ સુધી પોતાના વિશિષ્ટ અને મધુર સંગીતથી ગુજરાતી ગીતોને એક નવી ઊંચાઈ આપી છે. તેમણે ‘ભવની ભવાઈ’, ‘મૈયરમાં મનડું નથી લાગતું’, ‘પારકી થાપણ’, ‘નાગમતી નાગવાળો’ સહિત ૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કાલજયી સંગીત આપ્યું. તેમણે ઘણા સંગીત આલ્મબ પ્રચલિત હતા જેમાં ‘ભજન અનમોલ’, ‘જલારામની ઝૂંપડી’, ‘ગંગા સતીના ભજનો’, ‘કહત કબીર’, ‘નોન સ્ટોપ ડાંડિયા રાસ’ અને પ્રાચીન પ્રભાતિયાનો સમાવેશ થાય છે. ૧૯૭૬માં ‘લાખો ફુલાણી’ ફિલ્મથી સ્વતંત્ર સંગીતકાર તરીકે ઓળખ મેળવી. આ ફિલ્મમાં પ્રફુલ્લ દવેએ ગાયેલું ‘મણિયારો તે હળુ હળુ..’ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.

ગૌરાંગ વ્યાસની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન આંબાવાડીના મોરેના એપાર્ટમેન્ટ, હીરાબાગ ક્રોસિંગ પાસેથી સવારે 11:30 વાગ્યે નીકળશે. સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓએ તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પિતાની છાયામાંથી બહાર આવી પોતાની સ્વતંત્ર સંગીત પરંપરા ઊભી કરનાર ગૌરાંગ વ્યાસ પોતાની અમર રચનાઓ દ્વારા ગુજરાતની સામૂહિક સ્મૃતિમાં સદા જીવંત રહેશે.