દેશી નીલકંઠ- ભારતના આકાશનો રંગબેરંગી રાજદૂત

અગાઉ આપણે યુરોપિયન કે યુરેશિયન રોલર એટલે કે કાશ્મીરી ચાસ કે કાશ્મીરી નીલકંઠ વિશે લખેલું હતું. આ વખતે વાત દેશી નીલકંઠની. ભારત અને આસપાસના પ્રદેશોમાં જોવા મળતા આ પક્ષીના રંગ મનમોહક હોય છે. બ્રીડિંગ સિઝનમાં નર પક્ષી આકાશમાં એરોબેટિક કરતબ કરે છે. સામાન્ય રીતે રસ્તાની બાજુનાં વૃક્ષોની ડાળીઓ પર બેસતા આ પક્ષીને જંગલમાં સરળતાથી જોઈ શકાય છે.

નીલકંઠના શિકારમાં સામાન્ય રીતે જીવાતો, તીડ, ભમરા અને ક્યારેક દેડકા, ગરોળી કે નાના ઉંદર પણ હોય છે. રસ્તા પાસે, ખેતરના શેઢે કે જંગલની ધાર પર ડાળી પર બેસીને તે શિકાર પર નજર રાખે છે અને યોગ્ય તક મળતાં એરોબેટિક્સ કરતું હોય એ રીતે શિકાર પકડી લે છે.

સામાન્ય રીતે ચોમાસા પહેલાં પ્રજનન કરીને વૃક્ષોના પોલાણ કે જૂના લક્કડખોદના માળામાં માદા 3થી 5 ઈંડાં મૂકે છે. નર અને માદા સાથે મળીને બચ્ચાંની સંભાળ રાખે છે.

આ દેશી નીલકંઠ કે દેશી ચાસ પાંખ ફેલાવીને ઊડતું હોય ત્યારે તેના સુંદર રંગો જોવાનો આનંદ અનેરો હોય છે. દેશી નીલકંઠ ખેતી માટે હાનિકારક કીટકોનો શિકાર કરીને ખેડૂતનો કુદરતી મિત્ર બને છે.