રાતનો કુશળ શિકારી – મત્સ્ય ઘુવડ

બ્રાઉન ફિશ આઉલ (Brown Fish Owl), જેને ગુજરાતીમાં સામાન્ય રીતે મત્સ્ય ઘુવડ અથવા મચ્છીમાર ઘુવડ તરીકે ઓળખવામાં આવે છે, તે મુખ્યત્વે જંગલ કે સીમ વિસ્તારમાં નદી, નાળા, તળાવ, કૂવા અને અન્ય જળાશયોની આસપાસ વસવાટ કરે છે.

મોટા કદનું અને આકર્ષક દેખાતું આ ઘુવડ મુખ્યત્વે માછલીઓનો શિકાર કરે છે. આ ઉપરાંત દેડકા, કરચલા અને અન્ય નાના જળચરો પણ તેના ખોરાકનો ભાગ બને છે.

સામાન્ય રીતે મોટા ભાગના ઘુવડના પગ પર પીંછાં હોય છે, પરંતુ મત્સ્ય ઘુવડના પગ પર પીંછાં હોતાં નથી. તેનું મુખ્ય કારણ એ માનવામાં આવે છે કે પાણીમાં શિકાર કરતી વખતે પીંછાં ભીંજાય નહીં અને શિકાર કરવામાં સરળતા રહે.

મોટાભાગના ઘુવડ ઊડે ત્યારે તેમની પાંખોનો અવાજ લગભગ સંભળાતો નથી, જેથી તેઓ શિકારની નજીક ચૂપચાપ પહોંચી શકે. પરંતુ મત્સ્ય ઘુવડ ઊડે ત્યારે થોડો અવાજ થાય છે. શક્ય છે કે તેનો શિકાર મુખ્યત્વે પાણીમાં રહેતો હોવાથી આ અવાજ તેના શિકાર માટે એટલો અસરકારક ન બનતો હોય.

મત્સ્ય ઘુવડના પંજા ખરબચડા અને અત્યંત મજબૂત હોય છે, જેના કારણે તે શિકાર પર પણ મજબૂત પકડ (Grip) રાખી શકે છે.

પ્રમાણમાં મોટા કદનું હોવા છતાં આ ઘુવડ જંગલમાં સરળતાથી જોવા મળતું નથી. તેથી તેને કુદરતી વાતાવરણમાં જોવાનો અને તેનો ફોટોગ્રાફ લેવાનો અનુભવ પક્ષીપ્રેમીઓ માટે અત્યંત રોમાંચક અને યાદગાર બની રહે છે.