નેપાળના પૂરમાં 300 ભારતીયો સહિત 1500 લોકો લાપતાઃ 165નાં મોત

કાઠમંડુઃ ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરને કારણે નેપાળના રસુવા, નુવાકોટ અને ધાદિંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ વેરાયો છે. પૂરના પાણી સાથે કાદવ અને કાટમાળ પણ ધસી આવ્યો હતો, જેને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે ભારત તરફથી તાત્કાલિક મદદ માટે આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લાપતા થયેલા 500થી વધુ વિદેશીઓમાં લગભગ 300 ભારતીયો સામેલ છે. તેમણે કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે દુનિયાભરની સરકારોના સંપર્કમાં પણ રહ્યા છે અને દરેક દેશ એવી જ મદદની અપેક્ષા રાખે છે જેવી ભારત કરી રહ્યું છે. આ પૂરમાં 1500 લોકોના લાપતા હોવાની આશંકા છે. અત્યાર સુધી 165 લોકોનાં મોત થયાં છે.

ભારત સાથેના સરહદ વિવાદ અંગે પૂછવામાં આવતાં શિશિર ખનાલે કહ્યું હતું કે બે પડોશી દેશો વચ્ચે સમસ્યાઓ હોવી સ્વાભાવિક છે. તેમણે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે આપણા તંત્રો નિયમિત રીતે બેઠકો કરે. મને ખૂબ ખુશી છે કે છેલ્લા કેટલાક મહિનામાં નેપાળ અને ભારતના તંત્રોએ કામ કરવાનું શરૂ કર્યું છે.

 

  1. પૂર બાદ સેંકડો લોકો લાપતા છે. લાપતા લોકોમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, દક્ષિણ કોરિયા, મલેશિયા અને રશિયાના નાગરિકો સામેલ છે.
  2. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. ભારત તરફથી રાહત અને બચાવ સામગ્રી લઈને સૈન્ય વિમાનો નેપાળ મોકલવામાં આવ્યાં છે. ભારતે રાહત કામગીરી માટે 10 ટન આપત્તિ રાહત સામગ્રી અને જરૂરી દવાઓ મોકલી છે.
  3. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. આ નંબરો પર WhatsApp દ્વારા પણ સંપર્ક કરી શકાય છે. હેલ્પલાઇન નંબર છે: +977 985 131 6807, +977 970 910 7500, +977 981 032 6117.
  4. નેપાળમાં આવેલા પૂર બાદ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ચિંતા વધી છે. બિહારના મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ પ્રશાસનને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ અધિકારીઓને એલર્ટ રહેવા કહ્યું છે.