કાઠમંડુઃ નેપાળમાં આવેલા જળપ્રલયને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક અંદાજ મુજબ, દેશની 11 જળવિદ્યુત પ્રોજેક્ટ્સ હેઠળ આવેલી સુરંગોમાં 933 લોકો હજુ પણ ફસાયેલા છે. આ 11માંથી મોટા ભાગના પ્રોજેક્ટ્સ 26 ઓગસ્ટે અચાનક આવેલા પૂરને કારણે તબાહ થયેલા ભોટેકોશી-ત્રિશૂલી નદી કોરિડોરની આસપાસ આવેલા છે.
આ જળવિદ્યુત પરિયોજનાઓમાંથી મોટા ભાગના પ્લાન્ટ રસુવા જિલ્લામાં આવેલા છે, જે તિબેટની સરહદ નજીક છે. કેટલાક પ્લાન્ટ પાડોશી નુવાકોટ જિલ્લામાં પણ આવેલા છે. અધિકારીઓનું માનવું છે કે પૂરને કારણે તબાહ થયેલા પ્લાન્ટમાં ઘણા લોકો કાં તો કાદવથી ભરાયેલી સુરંગોમાં ફસાયેલા છે અથવા તો પાણીના પ્રવાહમાં તણાયા છે.
900થી વધુ લોકો લાપતા હોવાની શક્યતા
નેપાળ સરકાર અને વૈશ્વિક અહેવાલો સહિત અનેક સ્ત્રોતોમાંથી મળેલા આંકડાઓને આધારે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે અપર ત્રિશૂલીના બે પ્રોજેક્ટ્સ હેઠળ 700થી વધુ લોકો લાપતા છે. આ ઉપરાંત રસુવાગઢી, અપર ત્રિશૂલી-3એ અને લાંગટાંગ ખોલા પરિયોજનાઓમાં આશરે 180 અન્ય લોકો પણ લાપતા છે. બચાવ ટીમો હાલમાં સમય સામેની જંગ લડી રહી છે. ભારત અને ચીનના નિષ્ણાતો સાથે મળીને ટીમો શક્ય તેટલા વધુ લોકોને વહેલી તકે બચાવવાના પ્રયાસો કરી રહી છે. જોકે ખીણમાંથી વહી આવેલા કાદવ અને પથ્થરોની વિશાળ દીવાલને કારણે સુરંગો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આ કારણે અનેક સુરંગો ધરાશાયી થઈ છે.

નેપાળના વડા પ્રધાન બલેન્દ્ર શાહે આ પૂરને ‘અભૂતપૂર્વ અને વિનાશક કુદરતી આપત્તિ’ ગણાવી છે અને નેપાળ માટે આંતરરાષ્ટ્રીય સહાયની અપીલ કરી છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 900થી વધુ લોકોનાં મોત થયા છે. આગામી કેટલાક અઠવાડિયામાં મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે, કારણ કે બચાવ કર્મચારીઓ સતત મૃતદેહો શોધી રહ્યા છે અને રસ્તાઓ તથા પુલો નષ્ટ થઈ જવાથી સંપર્કવિહોણા બનેલા દૂરના વિસ્તારો સાથે ફરી સંપર્ક સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. સુરંગોમાં ફસાયેલા લોકો સહિત નેપાળ તરફની સરહદે હજુ પણ 4200થી વધુ લોકો લાપતા છે. આ ઉપરાંત ચીન તરફ પણ 546 લોકો લાપતા હોવાનું જણાવવામાં આવ્યું છે.




