ભારત-અમેરિકા વચ્ચે મોટી ડિફેન્સ ડીલ

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યુહાત્મક અને સંરક્ષણ સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ભારતીય સેનાની આધુનિકીકરણની પ્રક્રિયા હેઠળ સરકારે અમેરિકા પાસેથી આશરે 100 ઘાતક જેવલિન એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (ATGM) સિસ્ટમ ખરીદવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે આ સોદાની પુષ્ટિ કરી છે. આ સોદાની અંદાજિત કિંમત $45.7 મિલિયન (આશરે ₹292 કરોડથી ₹400 કરોડ) વચ્ચે જણાવવામાં આવી રહી છે, જેમાં મિસાઇલો સિવાય કમાન્ડ લોન્ચ યુનિટ્સ, ટ્રેનિંગ અને સ્પેસ પાર્ટ્સનો પણ સમાવેશ થાય છે.

શું છે જેવલિન મિસાઇલ અને કેવી રીતે કામ કરે છે?

અમેરિકાની દિગ્ગજ કંપનીઓ ‘રેથિયોન’ અને ‘લોકહીડ માર્ટિન’ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી જેવલિન વિશ્વની સૌથી ઘાતક પોર્ટેબલ એન્ટી-ટેન્ક મિસાઇલ પ્રણાલીઓમાં ગણાય છે.

ફાયર એન્ડ ફોર્ગેટ ટેકનોલોજી: આ મિસાઇલની સૌથી મોટી ખાસિયત એ છે કે ટાર્ગેટ લોક કર્યા બાદ મિસાઇલ છોડ્યા પછી સૈનિકે તેને ગાઇડ કરવાની જરૂર રહેતી નથી. મિસાઇલ પોતે જ લક્ષ્ય તરફ આગળ વધે છે, જેથી લોન્ચ કરનાર સૈનિક તરત જ સુરક્ષિત સ્થળે ખસી શકે છે.

ટોપ-એટેક મોડ: યુદ્ધના મેદાનમાં મોટાભાગના ટેન્કની ઉપરની કવચ (આર્મર) નબળી હોય છે. જેવલિન સીધી હુમલો કરવા ઉપરાંત હવામાં ઊંચે જઈને ટેન્કની બરાબર ઉપરથી પ્રહાર કરી શકે છે, જેથી દુશ્મનનું ટેન્ક ક્ષણભરમાં નાશ પામે છે.

સરળ પોર્ટેબિલિટી: આ મિસાઇલને સૈનિક પોતાના ખભા પર રાખીને સરળતાથી લોન્ચ કરી શકે છે અથવા ટ્રાયપોડ પર પણ ફીટ કરી શકાય છે. તેની રેન્જ આશરે 2.5 કિલોમીટર સુધીની છે.

એક મિસાઇલની કિંમત કેટલી?

અમેરિકી લશ્કરી બજેટના આંકડા મુજબ, એક જેવલિન મિસાઇલની બેઝ પ્રાઇસ આશરે $107,500 (આશરે ₹90 લાખ) થાય છે. જોકે, આ સંરક્ષણ સોદામાં માત્ર મિસાઇલો જ નહીં પરંતુ રી-યુઝેબલ ‘લાઇટવેઇટ કમાન્ડ લોન્ચ યુનિટ્સ’ (CLU), સિમ્યુલેટર્સ, ટેકનિકલ સપોર્ટ અને ટ્રેનિંગ સોફ્ટવેરનો પણ સમાવેશ થાય છે, જેથી સમગ્ર પેકેજની કિંમત વધુ રહે છે.

ભારત માટે આ સોદો કેમ ગેમ-ચેન્જર છે?

સરહદ પર જમીની યુદ્ધની સ્થિતિમાં દુશ્મનના બખ્તરબંધ વાહનો અને ટેન્કોના કાફલાને રોકવા માટે ભારતીય પદાતિ દળ (ઈન્ફન્ટ્રી) માટે આ મિસાઇલ અત્યંત કારગર સાબિત થશે. આ સિવાય, આ સોદા હેઠળ અમેરિકા ભવિષ્યમાં ભારતમાં જ જેવલિન મિસાઇલના સહ-ઉત્પાદન (Co-production) માટે પણ તૈયાર થયું છે, જે ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ ક્ષમતાઓને પણ પ્રોત્સાહન આપશે.