મુંબઈ: ભારતના યુવાનોને ભવિષ્યની નોકરીઓ માટે તૈયાર કરવા માટે સમર્પિત પ્લેટફોર્મ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી(Reliance Foundation Skilling Academy)નો કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી જયંત ચૌધરી(Jayant Chaudhary)ના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NSDC)ના સહયોગથી આયોજિત ‘એમ્પાવરિંગ યુથ ફોર ધ જોબ્સ ઓફ ધ ફ્યુચર’ પરની રાષ્ટ્રીય પરિષદમાં આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “ભારતના યુવાનો અપાર તકોના ચોક પર ઊભા છે અને રિલાયન્સ ફાઉન્ડેશન અને NSDC વચ્ચેનો સહયોગ તેમને ભવિષ્યની નોકરીઓને લઈને સશક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું છે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડેમીનો પ્રારંભ આ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. કૌશલ્યમાં રોકાણ કરીને આપણે માત્ર એક મજબૂત કાર્યબળનું નિર્માણ જ નથી કરી રહ્યા પરંતુ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર નવી પેઢીને પણ ઘડી રહ્યા છીએ.”ઝડપથી વિકસતા રોજગાર જગતમાં કૌશલ્યના ભાવિ તરફ ધ્યાન દોરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સી.ઈ.ઓ. જગન્નાથ કુમારે જણાવ્યું, “યુવાનોને તેમની આકાંક્ષાઓ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવવું એ રિલાયન્સ ફાઉન્ડેશનની મુખ્ય વિચારધારાનો એક ભાગ છે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી તે આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા અને ભવિષ્યની નોકરીઓ માટે યુવાનોને તૈયાર કરવા માટેનું એક પગલું છે.” રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડમી (www.rfskillingacademy.com) એક ઓપન-ટુ-ઑલ પ્લેટફોર્મ છે જે કૌશલ્ય નિર્માણ, વ્યક્તિગત નિષ્ણાત માર્ગદર્શન અને અર્થપૂર્ણ રોજગાર માટે ઉદ્યોગ સાથેના જોડાણોની સુવિધા માટે અભ્યાસક્રમો પ્રદાન કરે છે. તે વ્યક્તિને તેમની કારકિર્દીના કોઈપણ તબક્કે કૌશલ્યની સુવિધા આપીને ટેકો આપવા માટે રચાયેલું છે. પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનનો હેતુ માત્ર આગામી એક વર્ષમાં 6 લાખ યુવા ભારતીયોને સશક્ત બનાવવાનો છે.રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) એ પ્લેટફોર્મ પર વિકસિત ભાવિ-લક્ષી કૌશલ્ય અભ્યાસક્રમોની પહોંચ અને અસરને વધારવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કિલિંગ એકેડેમીમાં સહયોગ કરવા સંમત થયા છે, જેનાથી સ્કિલ ઈન્ડિયા મિશનને સમર્થન મળશે. સાથે મળીને કામ કરીને બંને સંસ્થાઓ એ સુનિશ્ચિત કરશે કે આ અભ્યાસક્રમો દેશભરની AICTE સાથે સંલગ્ન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે સુલભ બને અને તેમની રોજગાર ક્ષમતા અને ભાવિ કર્મચારીઓની તૈયારીમાં નોંધપાત્ર વધારો કરે.