મુંબઈ: કરજતના લીલાછમ વાતાવરણમાં એક ઐતિહાસિક અને સંવેદનશીલ પહેલનો શિલાન્યાસ થયો. રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ ૧૦૦ એકરની વિશાળ જમીન પર ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ ટાઉનશિપ માટે ભૂમિપૂજન વિધિ સંપન્ન કરી. આ માત્ર એક ટાઉનશિપ નથી, પરંતુ અનાથ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને જન્મજાત દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે એક આજીવન પ્રેમાળ ઘર બનાવવાનું સપનું છે.
ઘણાં માતા-પિતા આખી જિંદગી એક જ ચિંતામાં વિતાવતા હોય છે કે ‘અમારા પછી અમારા દિવ્યાંગ બાળકની સંભાળ કોણ લેશે?’ આ ચિંતાનો કાયમી ઉકેલ લાવતાં નીતા અંબાણીએ એક એવા જીવંત સમુદાયની કલ્પના કરી છે, જ્યાં ૫,૦૦૦થી વધુ નિવાસીઓને દર્દી કે આશ્રિત તરીકે નહીં, પરંતુ એક પરિવારના સભ્ય તરીકે રાખવામાં આવશે. આશરે ૧૫,૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતી આ ટાઉનશિપમાં પવિત્ર નદીઓના નામ પરથી આઠ રેસિડેન્શિયલ વિલેજ, ઘર જેવા વાતાવરણ સાથેના કૌટુંબિક આવાસ, હોસ્પિટલ, સેન્સરી ગાર્ડન અને રમતગમતનાં મેદાનો બનાવવામાં આવશે.
અહીંના નિવાસીઓને માત્ર રહેવાની જગ્યા જ નહીં, પરંતુ ‘વનતારા’ના સહયોગથી એનિમલ કમ્પેનિયનશિપ ફાર્મ, બેકરી, કાફે અને ક્રાફ્ટ સ્ટુડિયો દ્વારા રોજગારી અને કૌશલ્ય વિકાસની તકો પણ મળશે, જેથી તેઓ સન્માન સાથે જીવી શકે. આસપાસના ગ્રામીણ વિસ્તારો અને પડોશી ગામોને પણ અહીંની તબીબી, શૈક્ષણિક અને થેરાપી સુવિધાઓનો લાભ મળશે. કરુણા અને આત્મીયતાથી ભરેલું ‘અનંત આશ્રય’ ખરેખર સમાજમાં એકલા પડી ગયેલા લોકો માટે આશા અને વિશ્વાસનું એક નવું કિરણ બનીને ઊભરી રહ્યું છે.




