અમદાવાદ– શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી છે. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ભારતની લાંબી છલાંગથી શેરબજારમાં ઑલરાઉન્ડ લેવાલી આવી હતી, ગ્લોબલ માર્કેટના પણ પોઝિટિવ ન્યૂઝ પાછળ શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. બીએસઈ સેન્સેક્સ ગઈકાલના બંધ 33,213.13ની સામે આજે સવારે 33,344.23ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો, ત્યાર પછી ઝડપી ઉછળી 33,595.74 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી. સેન્સેક્સમાં 350થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 10.335.30ની સામે આજે સવારે 10,390.35 ખુલીને ઝડપી ઉછળી 10,437.55 લાઈફ ટાઈમ હાઈનું નવું લેવલ બતાવ્યું હતું. નિફ્ટીમાં 95 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. વર્લ્ડ બેંકે મંગળવાર રાત્રે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રીપોર્ટ જાહેર થયો હતો. જેમાં ભારતે 30 નંબરની છલાંગ લગાવી છે. અને 100 નંબરના સ્થાન પર આવી ગયું છે. આ રેન્કિંગ્સથી રોકાણકારોમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. અને તેજીવાળા ઓપરેટરોએ જોરદાર લેવાલી કાઢી હતી.