રાહુલ ગાંધી 3 દિવસ ગુજરાતના પ્રવાસેઃ દક્ષિણ ગુજરાતમાં યાત્રા શરૂ કરી

અમદાવાદ– કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજે બુધવારે સવારે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે વડોદરા આવી પહોચ્યા હતા, ત્યાર બાદ તેઓએ પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરીને જંબુસર જવા રવાના થયા હતા, ત્યાંથી તેમણે નવસર્જન યાત્રાની શરૂઆત કરી હતી. આ વખતે કોંગ્રેસના સીનીયર નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. જંબુસરમાં કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસની આ નવસર્જન યાત્રોનો આજથી શરૂ થયેલ ત્રીજો તબક્કો છે. રાહુલ ગાંધી આ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જિગ્નેશ મેવાણી સાથે મુલાકાત કરશે.

પહેલી નવેમ્બરે એટલે કે આજે બુધવારથી રાહુલ ગાંધી જંબુસરથી યાત્રાનો પ્રારંભ કર્યો છે. બીજી નવેમ્બરે તેઓ વ્યારા, વાસદા, વાપી, વલસાડ, નાના પૌઢાની મુલાકાત લેશે. તેમજ 3 નવેમ્બરના રોજ સુરતમાં જાહેરસભાની સંબોધન કરશે. યાત્રા પછી તેઓ ઉનાઈ માતાના દર્શન કરવા જશે.

રાહુલ ગાંધીની ત્રણ દિવસની યાત્રા દક્ષિણ ગુજરાતમાં છે. જેમાં તેઓ નોટબંધી અને જીએસટીને લઈને સુરતના વેપારીઓ અને વડોદરામાં બુધ્ધિજીવીઓ સાથે ચર્ચા કરશે. વેપારીઓ જીએસટીને કારણે ભાજપથી ખુબ જ નારાજ છે. આથી રાહુલ ગાંધી તેનો લાભ લેવા માગે છે. તેની સાથે રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ કોને આપવી તે અંગે પણ મંથન કરશે. કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક ગાંધીનગરમાં 3થી 5 નવેમ્બર દરમિયાન યોજાશે, જેની અધ્યક્ષતા બાલાસાહેબ થોરાટ કરશે.