નવી દિલ્હીઃ રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટને 5.5 ટકા પર યથાવત્ રાખવાનું એલાન કર્યું છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ નિર્ણય સહમતીથી લેવાનું એલાન કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રેપો રેટમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 100 બેસિસ પોઇન્ટની રાહત મળી છે. જોકે હવે તહેવારોના સીઝનમાં લોનની શક્ય માગને ધ્યાનમાં રાખીને RBIએ હાલ કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે રિઝર્વ બેંકે પોતાની નાણાકીય નીતિને ‘ન્યૂટ્રલ’ (સંતુલિત) જ રાખી છે. SDF દર 5.25 ટકા અને બેંક રેટ 5.75 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યા છે.
RBIએ રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે મોંઘવારી સતત ઘટી રહી છે અને વિદેશી કરન્સીને લઈને કેટલીક ચિંતાઓ પણ ઊભી થઈ રહી છે. હકીકતમાં, જૂન 2025માં ચોખ્ખી મોંઘવારી (CPI) ઘટીને માત્ર 2.1 ટકા રહી ગઈ છે, જે સરકારના લક્ષ્ય કરતાં પણ નીચે છે.
— ReserveBankOfIndia (@RBI) August 6, 2025
બીજી તરફ અમેરિકાએ સાત ઓગસ્ટથી ભારતીય માલ પર 25 ટકા ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે, જેનાથી ભારત માટે નિકાસ કરવી મોંઘી પડશે. આ કારણે વેપારમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓ પહેલેથી જ માનતા હતા કે RBI હવે રેટમાં કોઈ ફેરફાર નહીં કરે, કારણ કે અર્થતંત્ર પર દબાણ છે અને મોંઘવારી ઘટી રહી છે. એ સાથે જ MSME (નાના ઉદ્યોગો), હાઉસિંગ અને રિટેલ ક્ષેત્ર તરફથી એવી માગ ઉઠી રહી હતી કે આરબીઆઇ ઓછામાં ઓછી એક વાર વધુ વ્યાજદર ઘટાડે, જેથી તહેવાર પહેલા લોકો સસ્તી લોન મેળવી શકે અને બજારમાં ચહેલપહેલ વધી શકે.
