ઉંદરો ખાઇ ગયા 200 કિલો ગાંજોઃ આરોપી નિર્દોષ જાહેર

રાંચીઃ ત્રણ વર્ષ પહેલા ઝારખંડ પોલીસે એક વાહન રોકીને મોટી માત્રામાં નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા, પરંતુ 2024માં કેસની સુનાવણી દરમિયાન જ્યારે આ પદાર્થો કોર્ટમાં રજૂ કરવાની વારો આવ્યો, ત્યારે પોલીસે દાવો કર્યો કે ગોડાઉનમાં રાખવામાં આવેલા ગાંજાને ઉંદરો ખાઈ ગયા હતા.

આ દાવા બાદ રાંચીની એક સ્પેશલ NDPS કોર્ટે ડ્રગ્સ કેસમાં એકમાત્ર આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો અને તપાસમાં થયેલી અનેક ખામીઓને ઉજાગર કરી હતી. તેમાં તપાસ અધિકારીનો એ દાવો પણ સામેલ હતો કે 200 કિલો ગાંજો ઉંદરો ખાઈ ગયા હતા.

રાંચી જિલ્લાના ઓરમાંઝી પોલીસે 17 જાન્યુઆરી 2022S NH-20 પર એક સફેદ બોલેરો વાહન રોક્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે રાંચીથી રામગઢ તરફ નશીલા પદાર્થોની દાણચોરી થઈ રહી છે. પોલીસના જણાવ્યાનુસાર વાહન રોકતાં જ તેમાં બેઠેલા ત્રણ લોકો કૂદી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા, જેમાંથી ઇન્દ્રજિત રાય ઉર્ફે અનારજિત રાયને પકડી લેવામાં આવ્યો, જ્યારે વિકાસ ચૌરસિયા અને કુંદન રાય ભાગી જવામાં સફળ રહ્યા હતા. વાહનની તલાશી દરમિયાન ખાસ રીતે બનાવેલા ખાનામાં છુપાવેલા લગભગ 170 પેકેટમાં ભરેલો 200 કિલો ગાંજો મળ્યો હોવાનો પોલીસનો દાવો હતો.

NDPSની અનેક કલમો હેઠળ કેસ નોંધાયો

આ બાદ NDPS એક્ટની કલમ 20 (બી) (ii) (સી) અને 22 (સી) હેઠળ FIR નોંધવામાં આવી. જાન્યુઆરી 2022માં ઇન્દ્રજિત રાયની ધરપકડ કરવામાં આવી હતી અને ટ્રાયલ દરમિયાન તે કસ્ટડીમાં રહ્યો હતો.

19 ડિસેમ્બર 2025ના આદેશમાં એડિશનલ જ્યુડિશિયલ કમિશનર અને સ્પેશલ જજ આનંદ પ્રકાશે ઇન્દ્રજિત રાયને નિર્દોષ જાહેર કર્યો અને કહ્યું કે અભિયોજન પક્ષ આરોપોને સંદેહની બહાર સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે. કોર્ટે નશીલા પદાર્થોની જપ્તી અને તેના સંચાલન પર પણ શંકા વ્યક્ત કરી હતી. સ્ટેશનની ડાયરીમાં કરવામાં આવેલી તે એન્ટ્રીનો ઉલ્લેખમાં લખ્યું હતું કે જપ્ત કરાયેલો ગાંજો ઉંદરો દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યો હતો, કોર્ટે ટિપ્પણી કરી હતી કે આથી કેસની જપ્તી અને પોલીસ દ્વારા તેના સંચાલન પર જ શંકા ઊભી થાય છે.