IIMની બોય્ઝ હોસ્ટેલમાં યુવતી સાથે બળાત્કારથી વિવાદ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોલકાતામાંથી એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. આરોપ છે કે સેકન્ડ યરની એક યુવતી સાથે બોય્ઝ હોસ્ટેલમાં બળાત્કાર કરવામાં આવ્યો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને એક સંદિગ્ધની ધરપકડ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ જ્યારે પીડિતા બોય્ઝ હોસ્ટેલમાં પહોંચી, ત્યારે તેને પહેલાં પિત્ઝા અને સોફ્ટ ડ્રિન્ક આપવામાં આવ્યાં હતાં. થોડી જ વારમાં તે બેહોશ થઈ ગઈ. જ્યારે તે હોશમાં આવી ત્યારે તે પોતાને હોસ્ટેલમાં જોઈ અને તેને સમજાયું કે તેની સાથે બળાત્કાર થયો છે.

પીડિતાએ એ પણ આરોપ મૂક્યો છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છતાં તેણે ડરી ગયા વિના નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસ એક યુવકને ડિટેન કરી ચૂકી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે પીડિતા અને આરોપી વચ્ચે સૌપ્રથમ સોશિયલ મિડિયામાં મુલાકાત થઈ હતી. યુવતીને એક અન્ય વ્યક્તિ સાથેના વિવાદને લઈને ટેન્શન હતું, જેથી તેણે આરોપીની મદદ માગી. ત્યાર બાદ આરોપીએ તેને કેમ્પસમાં બોલાવ્યો. એ સમયે એક કોમન મિત્ર પણ બંને સાથે હોસ્ટેલ ગયો હતો, પરંતુ થોડા સમય પછી આરોપીએ યુવતી સાથે એકાંતમાં વાત કરવાની વાત કરી.

હમણાં પોલીસ CCTV ફુટેજ ચેક કરી રહી છે અને કેમ્પસના વિદ્યાર્થીઓની પૂછપરછ પણ ચાલી રહી છે. એક ચોંકાવનારી બાબત એ પણ છે કે યુવતી પાસેથી વિઝિટિંગ રજિસ્ટરમાં સાઇન પણ લેવાયા નહોતા. કેમ્પસના નિયમો અનુસાર કોઈ બોય્ઝ હોસ્ટેલમાં આવે તો તેને પહેલાં રજિસ્ટરમાં સહી કરાવવાનું રહે છે, પણ અહીં એ થયું નહોતું.

આ ઘટના કોલેજ કેમ્પસની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઊભી કરે છે. આ પહેલાં પણ કોલકાતા લો કોલેજમાંથી એવો ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો, જેમાં પીડિતાની સાથે ગેંગરેપ થયો હતો. તે કેસમાં પણ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી લીધા હતા.