અયોધ્યા: રામ નવમીના પાવન પર્વ નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના દરબારમાં 15થી 18 એપ્રિલ સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાઈડલાઈન જારી કરી જણાવાયું છે કે સોમવારથી ચાર દિવસ સુધી વીઆઈપી દર્શન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. જે લોકોએ 15થી 18 એપ્રિલના વીઆઈપી પાસ બનાવડાવ્યાં છે તે લોકોના પાસ માન્ય ગણાશે નહીં.
ચૈત્ર શુકલ સપ્તમી એટલે કે સોમવારથી અયોધ્યા રામ મંદિરમાં ભક્તોની ભીડ થવાની ભારે સંભાવના છે. જેને ધ્યાને રાખી ટ્રસ્ટે વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ અપીલ કરી છે કે ઉલ્લેખ કરવામાં આવેલી તિથિ દરમિયાન વીઆઈપી પ્રોટોકલ ધારકોને વીઆઈપી સુવિધા નહીં મળે. શ્રદ્ધાળુઓની ભીડમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા ચાલુ રાખવી સંભવ નથી. પહેલેથી બનાવવામાં આવેલા વીઆઈપી પાસ 18 એપ્રિલ સુધી માન્ય રહેશે નહીં. તેમજ અન્ય પાસધારકોને પણ વીઆઈપી સુવિધા આપવામાં આવશે નહીં.
રામજન્મોત્સવને લઈ રામ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે. રામજન્મભૂમિ પથ પર 80 કરતાં પણ વધારે સીસીટીવી લગાવવામાં આવ્યાં છે. તેમજ 50 સ્થાનો પર વૉટર કૂલર પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે.
રામલલ્લાના દર્શનનો સમય બદલાશે
આવતીકાલે એટલે કે 16 એપ્રિલથી શ્રીરામના દર્શન કરવાનો સમય બદલાશે. રામલલ્લાના દર્શન અવધિમાં ફેરફારની વિચારણા કરવામાં આવી અને રવિવારે રામ મંદિર ટ્રસ્ટ તથા પોલીસ વચ્ચે એક બેઠક યોજાઈ. પરિસરમાં યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે 16 એપ્રિલથી રામલલ્લાના દર્શન સમયમાં બદલાવ કરવામાં આવશે. જોકે આ બદલાવ, પહેલા 15 એપ્રિલથી જ કરવાનો હતો પરંતુ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે વધારો થયો ન હોવાથી આ નિર્ણયનો અમલ કરવામાં આવ્યો નહીં. તેના બદલે 16 એપ્રિલથી દર્શન અવધિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભક્તોની સંખ્યાને ધ્યાને રાખી 16 એપ્રિલથી મંદિરને 20 કલાક સુધી ખુલ્લુ રાખવાની યોજના બનાવાઈ છે. જેથી કરીને રામ નવમી પર વધુ સંખ્યામાં ભક્તો શ્રી રામના દર્શન કરી શકે.
ઉલ્લેખનીય છે કે, ભગવાન રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખે થયો હતો. આ વર્ષે ચૈત્ર માસની નવમી તિથિ 16 એપ્રિલ બપોરના 1:23 વાગ્યાથી શરૂ થઈને 17 એપ્રિલ બપોરે 3:17 વાગ્યા સુધી માન્ય છે. આવી સ્થિતિમાં ઉદયતિથિને આધારે 17 એપ્રિલના રોજ ભગવાન રામની પૂજા કરવામાં આવશે.