તહેવારો સમયે તેલના ભાવમાં ભડકો, ગૃહિણીઓ પરેશાન

રાજકોટ: નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર નજીકમાં છે. ત્યારે રાજકોટમાં આયાત ડ્યુટીમાં વધારાનાં પગલે કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કપાસિયા અને પામોલીન તેલમાં 15 લીટરે રૂપિયા 50નો વધારો થયો છે.સન ફ્લાવર, તલ, મકાઈ અને સરસવ તેલમાં પણ 15 લીટરે રૂપિયા 50નો વધારો થયો હતો. આયાત ડ્યૂટી વધ્યા બાદ હાજર માલની ખેંચનાં બહાના હેઠળ ભાવમાં સતત વધારો થયો છે. કપાસિયા તેલનો 15 લીટરના ડબ્બાનો ભાવ રૂપિયા 2,080થી વધીને રૂપિયા 2,130 થયો છે. પામોલીન તેલનો ડબ્બો 1,885 થી વધીને 1,935 થયો છે.તેલનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનાં બજેટ પર પણ અસર થઈ રહી છે. આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારોમાં ફરસાણનાં ભાવમાં પણ વધારો થઈ શકે છે.