મુંબઈમાં તોફાન સાથે વરસાદ બન્યો આફત

મુંબઈમાં હવામાનની પેટર્ન અચાનક બદલાઈ ગઈ છે અને આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા બાદ ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો છે. મુંબઈમાં દિવસ દરમિયાન અંધારપટ છવાઈ ગયો હતો અને ભારે પવન સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આજે મુંબઈમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી.

 

મુંબઈમાં તોફાનને કારણે હોર્ડિંગ પડી ગયા

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ભારે પવનને કારણે એક હોર્ડિંગ પડી ગયું, જેના કારણે 35 લોકો ઘાયલ થયા. મુંબઈમાં તોફાની પવનોને કારણે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. પ્રતિકૂળ હવામાન અને ધૂળના વાવાઝોડાને કારણે, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) એ ઓછી દૃશ્યતા અને તીવ્ર પવનને કારણે લગભગ 66 મિનિટ માટે ફ્લાઈટ કામગીરીને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે.

મુંબઈ પોલીસે જણાવ્યું કે આ અચાનક આવેલા તોફાનના કારણે ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર મેટલ બોર્ડ પડી ગયું, જેના કારણે 37 લોકો ઘાયલ થયા અને 50 થી 60 લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં ધૂળની ડમરીઓ સાથે વાદળો વરસ્યા હતા

મુંબઈના પશ્ચિમી ઉપનગરો બોરીવલી, કાંદિવલી, મલાડ અને ગોરેગાંવ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવી મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાવર કટની ફરિયાદો પણ નોંધાઈ છે.

હવામાનમાં આવેલા આ અચાનક બદલાવથી મુંબઈના લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે, કારણ કે વાદળછાયું આકાશ અને તેજ પવનને કારણે દિવસના તાપમાનમાં ઘટાડો થયો છે. IMD અનુસાર, આગામી 3 થી 4 કલાક સુધી 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.