અમદાવાદ: રાજ્યમાં 24 કલાકમાં 255 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. 12 તાલુકામાં 10 ઇંચથી વધુ પડ્યો છે. બે દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. નવસારીમાં કરંટ લાગતા 3ના મોત, આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકના તણાવાથી એક બાળકીનું મોત થયું અને બે બાળકનો બચાવ કરવામાં આવ્યો. છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાંથી અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી એમ બે યુવાનનું રેસ્ક્યૂ કરાયું હતું. 
ગુજરાતમાં લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ સિસ્ટમ વધુ મજબૂત બનતા રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. હવામાન વિભાગે વીજળીના કડાકા અને તેજ પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. 1 ઓગસ્ટના રોજ અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી-ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.




