મધ્યપ્રદેશના ઇન્દોરમાં 19 September ના રોજ આયોજિત ‘છત્રા કી ગૂંજ’ કાર્યક્રમ બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના શિક્ષણ તેમજ રહેઠાણ સંબંધિત મુદ્દાઓ સાંભળ્યા હતા. વાર્તાલાપ દરમિયાન એક ગ્રામીણ વિસ્તારમાંથી આવતી વિદ્યાર્થિનીએ શહેરમાં હોસ્ટેલની સુવિધા ન હોવાને કારણે પીજી (PG) માં રહેવાના ભારે ખર્ચ અને અસુરક્ષા અંગે પોતાની વ્યથા ઠાલવી હતી.

રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યો સવાલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાર્તાલાપની વિગતો શેર કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે વિદ્યાર્થિનીએ તેમને પૂછ્યું હતું, “સરકાર પાસે દીવા પ્રગટાવવા માટે પૈસા છે, પરંતુ અમારી હોસ્ટેલ માટે કેમ નહીં?” રાહુલ ગાંધીએ ઉમેર્યું કે સુરક્ષિત જગ્યાએ રહેવા માટે વિદ્યાર્થીઓએ દર મહિને મોટો ખર્ચ કરવો પડે છે અને બેઘર થવાનો સતત ડર રહે છે. યોગ્ય રહેઠાણના અભાવે અને મોંઘવારીના પ્રમાણમાં એલાઉન્સ ન વધવાને કારણે ઘણી વિદ્યાર્થિનીઓ અભ્યાસ છોડવા મજબૂર બને છે. આ બાબતે રાહુલ ગાંધીએ સીધાં પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરીને સવાલ પૂછ્યો કે, “શું તે બાળકીના સવાલનો તમારી પાસે કોઈ જવાબ છે?”
પીએમ મોદીના માતાજી પર ટિપ્પણી મુદ્દે ભાજપ આક્રમક
રાહુલ ગાંધીની આ પોસ્ટ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી તીખી પ્રતિક્રિયા સામે આવી છે. કાર્યક્રમ દરમિયાન સ્ટેન્ડઅપ કોમેડિયન પુલકિત મની દ્વારા પીએમ મોદીની મિમિક્રી કરતી વખતે તેમના સ્વર્ગસ્થ માતાજી પર અશોભનીય કટાક્ષ કરવામાં આવ્યો હતો, જેના પર રાહુલ ગાંધી હસતા જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈને ભાજપે રાહુલ ગાંધીને આડેહાથ લીધા છે.દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર નિશાન સાધતા જણાવ્યું કે રાજકારણમાં વૈચારિક મતભેદ અને આકરા પ્રહારો હોઈ શકે છે, પરંતુ કોઈના સ્વર્ગસ્થ માતાજી પર અમર્યાદિત ટિપ્પણી કરવી અને તેના પર હસવું એ ભારતીય સંસ્કૃતિ નથી. તેમણે રાહુલ ગાંધીના આ વર્તનને “માનસિક દિવાળીયાપણું” અને અત્યંત શરમજનક ગણાવ્યું હતું.બીજી તરફ ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ પલટવાર કરતાં કહ્યું કે, “કદાચ ઇટાલીના સંસ્કારોમાં માતા હાસ્યનું પાત્ર હશે, પરંતુ ભારતમાં માતા એ ભગવાનનું રૂપ છે.” સિરસાએ ઉમેર્યું કે જાહેર મંચ પરથી માતૃશક્તિનું અપમાન પ્રોત્સાહિત કરવું એ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલા સંસ્કારો દર્શાવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું રાહુલ ગાંધી દેશની નવી પેઢીને આ જ શીખવવા માંગે છે?




