વિશ્વમાં ગૂંજે છે બાપ્પાનો જયજયકાર…

વિઘ્નહર્તા, મંગલમૂર્તિ ભગવાન ગણેશજીની આરાધના માત્ર ભારતના સીમાડા પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વના દેશોમાં બાપ્પા પ્રત્યેની અસીમ શ્રદ્ધા પથરાયેલી છે. અત્યારે જ્યારે ચારેય બાજુ ગણેશોત્સવનો ભક્તિમય માહોલ છવાયેલો છે, ત્યારે દરિયાપારના દેશોમાં પણ ગણપતિ બાપ્પાના જયઘોષ ગૂંજી રહ્યા છે.

સદીઓ જૂનો ઐતિહાસિક વૈભવ હોય કે આધુનિક સ્થાપત્યની કમાલ, દરેક ખંડમાં બાપ્પાના ભવ્ય ધામ આવેલા છે. થાઈલેન્ડની નદી કિનારે બિરાજમાન વિશાળ ગુલાબી ગણેશ પ્રતિમાથી લઈને ન્યૂ યોર્કના ગ્રેનાઈટ પથ્થરોથી કંડારેલા મંદિર સુધી, દરેક સ્થળની પોતાની આગવી ભક્તિ અને રહસ્યમય કથા છે. વાત કરીએ વિશ્વના અદ્ભુત ગણેશ મંદિરો વિશે…

કેવી રીતે પહોંચી ભારત બહાર ગણેશ પૂજાની પરંપરા?

સદીઓ પહેલાં ભારતીય વેપારીઓ, યાત્રાળુઓ અને વિદ્વાનો દરિયાઈ માર્ગે વિશ્વભરમાં પહોંચ્યા, ત્યારે સાથે પોતાની સંસ્કૃતિ અને આરાધ્ય દેવ ગણેશજીની ભક્તિ પણ લઈ ગયા. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો જેવા કે થાઈલેન્ડ અને કંબોડિયામાં સ્થાનિક સંસ્કૃતિ સાથે ભળીને ગણેશજી રાજવી સ્તરના પૂજનીય દેવ બન્યા. જ્યારે આધુનિક યુગમાં વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય પ્રવાસીઓએ અમેરિકા, સિંગાપોર અને યુરોપ જેવા દેશોમાં પારંપરિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું. આજે આ મંદિરો માત્ર પૂજાના કેન્દ્રો નથી રહ્યા, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના જીવંત પ્રતીક બન્યા છે.

વોટ સમાન રતનારમ, થાઈલેન્ડ (એશિયા)

બેંગકોક નજીક ચાચોએંગ્સાઓ પ્રાંતમાં બંગ પાકોંગ નદીના કિનારે આવેલું ‘વોટ સમાન રતનારમ’ મંદિર વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર છે. થાઈલેન્ડમાં ગણપતિ ‘ફ્રા ફિકાનેત’ તરીકે ઓળખાય છે, જેમને સૌભાગ્ય અને સફળતાના દેવ માનવામાં આવે છે. અહીં ભગવાન ગણેશની 16 મીટર ઊંચી અને 24 મીટર લાંબી વિશાળ ‘ગુલાબી ગણેશ’ની શયનમુદ્રામાં પ્રતિમા આવેલી છે. આ અદભુત પ્રતિમાના દર્શન કરવા વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. અહીં એવી માન્યતા છે કે ગણેશજીના વાહન મુષકના કાનમાં ધીમેથી પોતાની મનોકામના કહેવાથી અને બીજા કાનને હાથથી ઢાંકવાથી એ પ્રાર્થના સીધી બાપ્પા સુધી પહોંચે છે.

શ્રી સેનપાગા વિનાયગર મંદિર, સિંગાપોર

સિંગાપોરના કેટોંગ વિસ્તારમાં સિલોન રોડ પર સ્થિત આ મંદિર 19મી સદીના મધ્યભાગનું એટલે કે આશરે 1850ની સાલનું છે, જે સિંગાપોરનું સૌથી જૂનું બીજું હિન્દુ ધામ ગણાય છે. આ દાયકામાં એક તળાવના કિનારે આવેલા ચંપકના વૃક્ષ નીચેથી ગણેશજીની પથ્થરની પવિત્ર મૂર્તિ મળી આવી હતી, જેના પરથી આ મંદિરનું નામ પડ્યું. દક્ષિણ ભારતીય દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં નિર્મિત આ મંદિરનું 68 ફૂટ ઊંચું ગોપુરમ અને એના પરની ઝીણવટભરી કોતરણીઓ અદ્ભુત છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા બોમ્બમારામાં આ મંદિરને નુકસાન થયું હતું, છતાં ગણેશજીની મુખ્ય પ્રતિમા અખંડ રહી હતી.

શ્રી મહાવલ્લભ ગણપતિ દેવસ્થાનમ, ન્યૂ યોર્ક (અમેરિકા)

અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ક્વીન્સના ફ્લશિંગ વિસ્તારમાં આવેલું આ ધામ સામાન્ય રીતે ‘ફ્લશિંગ ગણેશ મંદિર’ તરીકે વિશ્વવિખ્યાત છે. વર્ષ 1977માં સ્થાપિત આ મંદિર ઉત્તર અમેરિકા ખંડનું સૌપ્રથમ પારંપરિક હિન્દુ મંદિર હોવાનું ગૌરવ ધરાવે છે. આ સમગ્ર મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતથી ખાસ મંગાવવામાં આવેલા કાળા ગ્રેનાઈટ પથ્થરોમાંથી પ્રાચીન આગમ શાસ્ત્ર મુજબ કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થી દરમિયાન અહીં યોજાતી ભવ્ય રથયાત્રામાં હજારો અમેરિકન અને ભારતીય ભક્તો ઉત્સાહપૂર્વક જોડાય છે અને વિદેશની ધરતી પર ભારતીય આધ્યાત્મિકતાનો ઉત્સવ ઉજવાય છે.

સૂર્ય વિનાયક મંદિર, ભક્તપુર (નેપાળ)

નેપાળની કાઠમંડુ ખીણમાં ઐતિહાસિક નગર ભક્તપુર નજીક એક રમણીય ટેકરી પર આવેલું આ મંદિર 1500 વર્ષથી વધુ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. કાઠમંડુ ખીણના ચાર પવિત્ર ગણેશ મંદિરો પૈકી આ સૌથી પ્રમુખ તીર્થસ્થાન છે. આ મંદિર ટેકરી પર એવી વિશિષ્ટ દિશામાં સ્થિત છે કે સવારના સૂર્યોદયનું સૌપ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમા પર પડે છે, જેથી એને ‘સૂર્ય વિનાયક’ કહેવામાં આવે છે. સ્થાનિક લોકોમાં અતૂટ શ્રદ્ધા છે કે અહીં દર્શન કરવાથી વાણીદોષ દૂર થાય છે, બાળકો ઝડપથી બોલતાં શીખે છે અને શારીરિક રોગોનું નિવારણ થાય છે.

શ્રી સિદ્ધિ વિનાયગર મંદિર, જાફના (શ્રીલંકા)

શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં જાફના નજીક કોન્ડાવિલમાં આવેલું શ્રી સિદ્ધિ વિનાયગર મંદિર સદીઓ જૂની તમિલ શૈવ પરંપરાનું પવિત્ર કેન્દ્ર છે. ભારતના ચોળ અને પલ્લવ કાળના વાસ્તુશિલ્પની યાદ અપાવતા આ મંદિરમાં ઉત્સવોની ઉજવણી અત્યંત પરંપરાગત ઢબે થાય છે. શ્રીલંકાના આંતરિક સંઘર્ષો અને મુશ્કેલ સમયમાં પણ ભક્તોની અતૂટ આસ્થાના બળે આ મંદિર અડીખમ રહ્યું છે. વિનાયક ચતુર્થીના દિવસે અહીં નીકળતો કાષ્ઠનો ભવ્ય રથ અને કાવડી નૃત્ય આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રદ્ધાળુઓ માટે ભક્તિનું મોટું આકર્ષણ બને છે.

(હેતલ રાવ)