BSPમાં માયાવતીનો મોટો નિર્ણય

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતીએ સંગઠન અને નેતૃત્વને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી એક લાંબી પોસ્ટમાં તેમણે જાહેરાત કરી છે કે તેમના ભાઈ આનંદ કુમારના પરિવારમાંથી હવે આકાશ આનંદ કે તેમની બહેનને પાર્ટીમાં કોઈ પણ પ્રકારની જવાબદારી સોંપવામાં આવશે નહીં. તેના સ્થાને હવે આનંદ કુમારના નાના પુત્ર ઈશાન આનંદને પાર્ટીમાં સન્માનજનક સ્થાન આપીને આગળ કરવામાં આવશે.

કાંશીરામ અને બાબા સાહેબ આંબેડકરના આદર્શોનો આપ્યો હવાલો

પોતાના નિવેદનમાં માયાવતીએ જણાવ્યું હતું કે, જો કોઈએ રાજકારણમાં સફળ થવું હોય અને સમાજની સેવા કરવી હોય તો તેણે સગા-સંબંધીઓ અને ભાઈ-બહેનોના મોહથી ઉપર ઉઠવું પડે છે. પક્ષના સ્થાપક માન્યવર કાંશીરામે પણ પોતાના નજીકના સંબંધીઓને રાજકીય લાભોથી દૂર રાખ્યા હતા. તેમણે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા 23 February 1956ના રોજ તેમના પુત્ર યશવંત બી. આંબેડકરને લખેલા એક પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં બાબા સાહેબે જાહેર સંપત્તિ અને પ્રિન્ટિંગ પ્રેસના સંચાલનમાં ગેરરીતિ બદલ પુત્ર સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. માયાવતીએ કહ્યું કે આ પત્રથી પ્રેરિત થઈને તેમણે પરિવાર કરતા પાર્ટીના હિતને પ્રાથમિકતા આપી છે..

આકાશ આનંદ અને તેમની બહેન અંગે સ્પષ્ટતા

આકાશ આનંદ અંગે વાત કરતા માયાવતીએ ઉમેર્યું કે આનંદ કુમારના વિશેષ આગ્રહથી આકાશ આનંદને રાજકારણમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ લગ્ન પછી તેમના વલણ અને પ્રવૃત્તિઓને કારણે તેમને પક્ષથી અલગ કરવા પડ્યા હતા. આકાશ આનંદ હવે તેમના શ્વસુર અશોક સિદ્ધાર્થની જાળમાં ફસાઈ ગયા છે અને તેમને પરત લેવા એ પાર્ટી સાથે વિશ્વાસઘાત સમાન ગણાશે. આ સાથે જ આનંદ કુમારની પુત્રી (આકાશની બહેન) અંગે પણ તેમણે કહ્યું કે ભવિષ્યમાં લગ્ન બાદ તેમની સ્થિતિ પણ આકાશ જેવી થાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તેમને પણ પક્ષની તમામ જવાબદારીઓથી દૂર રાખવાનો આખરી નિર્ણય લેવાયો છે.

ઈશાન આનંદને તક, પણ શરતો સાથે

માયાવતીએ આકાશી આનંદ અને તેમની બહેનના સ્થાને ઈશાન આનંદને આગળ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હાલ પૂરતું ઈશાન આનંદ આકાશના રસ્તે નહીં ચાલે તેવું લાગે છે, પણ ભવિષ્યમાં જો તેઓ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરશે તો તેમને પણ તુરંત બહારનો રસ્તો દેખાડવામાં આવશે. આવી સ્થિતિ સર્જાશે તો આનંદ કુમારના પરિવારના કોઈ સભ્યને સ્થાન આપવાને બદલે દલિત સમાજના નિષ્ઠાવાન અને મિશનરી કાર્યકરને આગળ લાવવામાં આવશે.

23 Septemberના રોજ દેશવ્યાપી બેઠક

આ તમામ બાબતો અને દેશના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 23 Septemberના રોજ BSPની એક અત્યંત મહત્વપૂર્ણ ઓલ ઈન્ડિયા બેઠક બોલાવવામાં આવી છે, જેથી પક્ષના કાર્યકરો સ્પષ્ટતા સાથે પોતાના કામમાં લાગી શકે.