QR કોડ મામલે સુપ્રીમે કોર્ટે UP સરકારનો આદેશ યથાવત્ રાખ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કાવડ યાત્રાના માર્ગ પર દુકાનો અને ઢાબાઓમાં QR કોડ લગાવવાના ઉત્તર પ્રદેશ સરકારના આદેશને યથાવત્ રાખ્યો છે. કોર્ટે અરજીકર્તાઓને કોઈ રાહત આપી નહોતી અને કહ્યું કે તમામ હોટેલ અને ઢાબામાલિકોએ કાયદેસર નિયમો હેઠળ લાયસન્સ અને નોંધણી પ્રમાણપત્ર બતાવવું પડશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે હાલમાં અન્ય વિવાદિત મુદ્દાઓ પર વિચાર નહીં કરે.

QR કોડ અંગે સરકારનું શો તર્ક હતો?
કોર્ટે કહ્યું હતું કે અમને જણાવાયું છે કે આજે કાવડ યાત્રાનો અંતિમ દિવસ છે. નજીકના ભવિષ્યમાં તે પૂર્ણ થઈ જશે. તેથી અમે હાલ માત્ર એટલો જ આદેશ આપીએ છીએ કે તમામ સંબંધિત હોટેલ માલિકોએ કાનૂની આવશ્યકતાઓ મુજબ લાયસન્સ અને નોંધણી પ્રમાણપત્ર દર્શાવવું જોઈએ.

દર વર્ષે શ્રાવણ મહિનામાં લાખો શિવભક્તો કાવડ યાત્રા કરે છે, ત્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારોએ યાત્રા માર્ગ પર આવેલા ભોજનાલયો, ઢાબાઓ અને દુકાનો પર QR કોડ લગાવવાનો આદેશ આપ્યો હતો. આ QR કોડ સ્કેન કરતાં દુકાનદારોનાં નામ, ધર્મ અને અન્ય માહિતી જાણવા મળે છે. સરકારનું કહેવુ છે કે આ પગલાનો ઉદ્દેશ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી અને યાત્રાળુઓને દુકાનોની સ્વચ્છતા અંગે માહિતી આપવી છે.

અરજીકર્તાઓના દલીલો શું હતી?
દિલ્લી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ ઝા, સામાજિક કાર્યકર આકાર પટેલ, TMC સાંસદ મહુઆ મોઇત્રા અને NGO ‘એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સએ સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે QR કોડ લગાવવાનો આદેશ ન માત્ર ગોપનીયતાના અધિકારનો ભંગ કરે છે, પણ તે ધર્મના આધારે ભેદભાવને પ્રોત્સાહન આપે છે.