ફાર્મા સેક્ટર પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે 100 ટકા ટેરિફ બોમ્બ ઝીંક્યો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે કયો નિર્ણય લઈ લે તે કહેવું મુશ્કેલ છે. હવે તેમણે પહેલી ઓક્ટોબરથી ફાર્મા ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી બ્રાન્ડેડ અને પેટન્ટ મેડિસિન પ્રોડક્ટ્સ પર 100 ટકા ભારે ટેરિફ લગાવવાનો જાહેર કર્યો છે. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું છે કે પહેલી ઓક્ટોબર, 2025થી અમે કોઈ પણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ દવા પર 100 ટકા ટેરિફ લગાવીશું. આ ભારે ટેરિફથી છૂટ મેળવવા માટે કંપનીઓએ અમેરિકા અંદર જ ઉત્પાદન શરૂ કરવું પડશે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પના આ નિર્ણયની પ્રતિકૂળ અસર ભારતીય કંપનીઓ પર પણ થશે, કારણ કે અમેરિકા માટે દવાઓના સૌથી મોટા સપ્લાયર્સમાં ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે.

હાલ ભારતીય દવા પર કેટલો ટેક્સ?

હાલ અમેરિકાથી ભારત આવતી દવાઓ પર 10.91 ટકા ટેક્સ લાગે છે. જ્યારે અમેરિકા ભારતીય દવાઓ પર કોઈ ટેક્સ લગાવતું નથી. જોકે બીજી એપ્રિલ, 2025ના ટેરિફ જાહેરાત વખતે ટ્રમ્પે ફાર્મા સેક્ટરને બહાર રાખ્યું હતું, પરંતુ હવે 100 ટકા ટેરિફ જાહેર કરવામાં આવ્યો છે.

મેડ ઇન અમેરિકા પર ઝીરો ટેરિફ

ટ્રમ્પે લખ્યું છે કે જો કંપનીઓ અમેરિકામાં દવાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી ન રહી હોય. તેમણે છૂટની કડક શરતો પણ સ્પષ્ટ કરી હતી “કન્સ્ટ્રક્શન અન્ડર પ્રોસેસ” એટલે કે નિર્માણ કાર્ય શરૂ થવું અથવા ચાલુ હોવું એટલે કે જો પ્લાન્ટનું નિર્માણ શરૂ થઈ ગયું છે તો આ દવાઓ પર કોઈ ટેરિફ લાગશે નહીં.

આ ઉત્પાદનો પર પણ ટેરિફ લાગશે

એ સિવાય રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલી ઓક્ટોબરથી કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50 ટકા, ફર્નિચર પર 30 ટકા અને ભારે ટ્રકો પર 25 ટકા શુલ્ક વસૂલવાની જાહેરાત કરી છે. આ નિર્ણયની પણ મોટો અસર પડશે.

અમેરિકન જનતા પર વધશે ખર્ચનો બોજ

વર્ષ 2024માં અમેરિકાએ લગભગ 233 અબજ ડોલરની દવાઓ અને ઔષધીય ઉત્પાદનોની આયાત કરી હતી. દવાઓ પર ભારે ટેરિફથી અમેરિકામાં દવાઓના ભાવમાં મોટો વધારો થશે, જેનો બોજ સીધો જનતાને સહન કરવો પડશે. ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકન જનતા પર બુમરેંગ સાબિત થશે.