આણંદની આ મહિલાને રાષ્ટ્રપતિએ કેમ કર્યા આમંત્રિત?

આણંદઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગુજરાતના આણંદમાં આવેલી NDDB દ્વારા સમર્થિત મુજકુવા સખી ખાદ સહકારી મંડળી લિ.ના ચેરમેન હેમાબેન પઢિયાર અને સેક્રેટરી જાગૃતિબેન પઢિયારને 26 જાન્યુઆરી, 2025ના રોજ ગણતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન ‘એટ હૉમ રિસેપ્શન’ માટે આમંત્રિત કર્યા છે.

તેમની સિદ્ધિઓને બિરદાવતી વખતે NDBBના ચેરમેન ડૉ. મીનેશ શાહએ જણાવ્યું હતું કે, ‘આ પ્રકારની સૌપ્રથમ ખાદ મંડળીની મહિલાઓ સ્ત્રીઓના નેતૃત્વ હેઠળની નવીન અને પર્યાવરણ પર હકારાત્મક પ્રભાવ પાડનારી ગ્રામ્ય આજીવિકા પહેલના પથપ્રદર્શક તરીકે ઉભરી રહી છે. છાણમાંથી સંપત્તિનું સર્જન કરનારા હેમાબેન અને જાગૃતિબેનને આપવામાં આવેલું આ આમંત્રણ ગામડામાં વસતી સ્ત્રીઓના સશક્તિકરણ પર પ્રકાશ પાડતું એક સીમાચિહ્ન છે. તેઓ બંને NDDBના બાયોગેસ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર મોડેલને સમગ્ર દેશમાં ફેલાવવામાં કાર્યસાધક બન્યાં છે. તેમને ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા જે આમંત્રણ મળ્યું છે, તેનાથી તેમની આકરી મહેનતને વધુ એક માન્યતા મળી છે.’સંપૂર્ણપણે મહિલાઓથી સંચાલિત થતી દેશની આ ખાતર પર આધારિત સહકારી મંડળીના અગ્રણીઓ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેવા અને ભારતના રાષ્ટ્રપતિની સાથે નાના પાયા પરની બાયોગેસ પહેલના પરિવર્તનકારી પ્રભાવ અંગે ચર્ચા કરવા માટે ભરપૂર આત્મવિશ્વાસ ધરાવે છે.

હેમાબેનએ જણાવ્યું કે, ‘NDBBના બાયોગેસ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર મોડેલે ડેરી સેક્ટરને વધુ સ્થાયી બનાવી દીધું છે. તેના બહુમુખી લાભ છે, જેમ કેઃ રાંધવા માટે સ્વચ્છ ઊર્જા, વધારાની સ્લરીના વેચાણમાંથી આવક, જૈવિક ખાતર, માટીનું વધુ સારું સ્વાસ્થ્ય અને કૃષિની ઊપજમાં વધારો.’

જાગૃતિબેનએ જણાવ્યું હતું, ‘બાયોગેસ પ્લાન્ટે રસોડામાં વપરાતા પરંપરાગત ઇંધણ જેમ કે ઇંધણા અને LPG (પ્રતિ માસ રૂ. 1500ની બચત)નું તો સ્થાન લઈ જ લીધું છે. પરંતુ તેની સાથે-સાથે સ્ત્રીઓને સ્લરીમાંથી મહિને રૂ. 3000 સુધીની વધારાની આવક રળવામાં પણ મદદરૂપ થઈ રહ્યો છે.’NDBBએ વર્ષ 2017માં મુજકુવા વિલેજ ડેરી કૉ-ઑપરેટિવ સોસાયટી મારફતે કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી તે મુજકુવા ગામની સાથે સંકળાયેલું છે. તેની પાછળનો ઉદ્દેશ્ય આણંદ નજીક એક લાઇવ લેબ બનાવવાનો હતો. જ્યાં પશુપાલકો કેન્દ્રીત નવા હસ્તક્ષેપો પર પરીક્ષણ થઈ શકે અને આ હસ્તક્ષેપોને પ્રદર્શિત કરી શકાય. છાણનું અસરકારક રીતે મેનેજમેન્ટ એ વર્ષ 2017-2018માં NDBB દ્વારા હાથ ધરવામાં આવેલો ખૂબ જ વખણાયેલો હસ્તક્ષેપ હતો. ભારતની એલપીજીની 50% જરૂરિયાત અને NPKની 40% જરૂરિયાતને પૂરી કરવાની ક્ષમતા ધરાવતા ઢોરોના છાણની વ્યાપક ક્ષમતાને માન્યતા આપીને NDBBનો ઉદ્દેશ્ય છાણ આધારિત બાયોગેસ પ્લાન્ટને પ્રાયોગિક ધોરણે સ્થાપવાનો છે. શરૂઆતના કેટલાક બાયોગેસ પ્લાન્ટની સફળતાને પગલે નવા સ્થપાનારા બાયોગેસ પ્લાન્ટની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને હવે આ ગામમાં 182 બાયોગેસ પ્લાન્ટ છે.

NDBBના સપોર્ટની સાથે માર્ચ 2020માં મુજકુવા ગામમાં સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત થતી ભારતની પ્રથમ ખાતર સહકારી મંડળીની સ્થાપના થઈ હતી. આ સહકારી મંડળી જૈવિક ખાતર ઉત્પન્ન કરવા માટે સ્લરીની સાથે વ્યાપક પ્રયોગો કરી રહી છે. દૂધ ઉત્પાદનના મોડેલનું અનુસરણ કરીને આખરે સ્લરીનું ટેસ્ટિંગ કરવાના મીકેનિઝમની સ્થાપના કરવામાં આવી અને સ્લરીના કલેક્શનની સિસ્ટમ સ્થાપવામાં આવી તથા બાયોગેસ ધરાવતા દરેક પરિવારનું જીયોટેગિંગ કરવામાં આવ્યું. NDBBએ પ્રારંભિક અનુદાનના સપોર્ટ દ્વારા સમગ્ર સ્લરી પ્રોસેસિંગ સિસ્ટમની સ્થાપના કરવામાં મદદ કરી. છેલ્લાં કેટલાક વર્ષોમાં NDBBએ દેશમાં 27,000થી વધારે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરી છે અને આ આંકડો સતત વધતો જઈ રહ્યો છે.