G20માં રાષ્ટ્રપતિ બાઈડને PM મોદી સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલના પ્રવાસે છે. સોમવારે તેમણે રિયો ડી જાનેરોમાં જી-20 સમિટમાં હાજરી આપી હતી. અહીં પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરી. બાઈડન સાથેની તસવીર ટ્વિટ કરતી વખતે વડાપ્રધાને લખ્યું કે તમને મળીને હંમેશા આનંદ થાય છે. આ દરમિયાન પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિત ઘણા દેશોના વડાઓ સાથે મુલાકાત કરી.

પીએમ મોદી નાઈજીરિયાથી બ્રાઝિલ પહોંચ્યા

વડાપ્રધાન તેમના ત્રણ દેશોના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા છે. પીએમ મોદી 16-21 નવેમ્બર સુધી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગયાનાની પાંચ દિવસીય મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયાના પ્રવાસ બાદ સોમવારે બ્રાઝિલ પહોંચ્યા હતા. રિયો ડી જાનેરો પહોંચતા ભારતીય સમુદાય દ્વારા તેમનું સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 2014 અને 2019માં બ્રિક્સ સમિટ બાદ પીએમ મોદીની બ્રાઝિલની આ ત્રીજી મુલાકાત છે. ગયા વર્ષે, ભારતે નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન કર્યું હતું.

G20ને સંબોધતા PM મોદીએ કહ્યું કે, ‘નવી દિલ્હીમાં G20 સમિટમાં લેવાયેલા નિર્ણયોને બ્રાઝિલના પ્રમુખપદ દરમિયાન આગળ લેવામાં આવ્યા છે. તે ખૂબ જ સંતોષની વાત છે કે અમે SDG લક્ષ્યોને પ્રાથમિકતા આપી. અમે સર્વસમાવેશક વિકાસ, મહિલા નેતૃત્વ વિકાસ અને યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે સ્પષ્ટ છે કે એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય આ સમિટમાં તેટલું જ સુસંગત છે જેટલું તે ગયા વર્ષે હતું.