લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ રોડ પર ઉતરી કામ કરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 156 બેઠકો મેળવી ભાજપે સરકાર બનાવી છે. ત્યારે લોકસભામાં પણ હેટ્રીક કરવા માટે હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દેશના પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં બહુમત સાથે સરકાર બનાવ્યા બાદ હવે ગુજરાતના નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો લોકસભાની ચૂંટણીના કામે લાગ્યાં છે. આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરાઈ રહી છે. આવતીકાલે કમલમ ખાતે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહેશે.
ભાજપના સાંસદો અને ધારાસભ્યોની આવતીકાલે બેઠક
આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપ દ્વારા હેટ્રીક મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળવાની છે. આ બેઠકમાં ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં આવશે. તે ઉપરાંત પેજ પ્રમુખ અને પેજ સમિતીની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જાહેરમાં નિવેદન કરે છે કે આ વખતે પણ તમામ બેઠકો જીતવાની છે અને દરેક બેઠક ચાર લાખના માર્જિન સાથે જીતવાની છે. ત્યારે હવે આગામી સમયમાં ભાજપ દ્વારા તાલુકા સ્થળે પેજ સમિતીને વધુ મજબૂત કરવામાં આવે તેવી ચર્ચાઓ ભાજપના સુત્રોમાં ચર્ચાઈ રહી છે.
કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીને લઈને એક્શનમાં
બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તાજેતરમાં જ 10 જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. તેની સાથે પ્રદેશ ચૂંટણી કમિટીની પણ જાહેરાત કરી છે. જેમાં 40 સ્થાનિક નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલિટીકલ અફેર્સ કમિટીમાં 17 નેતાઓને સ્થાન અપાયું છે. શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત આમઆદમી પાર્ટીમાંથી મોટા ગજાના કાર્યકરોને કોંગ્રેસમાં ભેળવવામાં આવ્યાં છે. ત્યારે હવે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં મહત્તમ બેઠકો મેળવવા માટે પ્રયાસો કરી રહી છે.