રાંચીઃ ઝારખંડમાં મુખ્ય મંત્રીના નિવાસને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. પ્રસ્તાવિત નિર્માણની અંદાજિત કિંમત રૂ. 68.91 કરોડ રાખવામાં આવી છે, જેને લઈને રાજકીય પક્ષોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપ આ ખર્ચને ફાલતુ ખર્ચ ગણાવી રહ્યો છે, જ્યારે સત્તારૂઢ ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ) તેને જરૂરી પ્રોજેક્ટ કહીને તેનો બચાવ કરી રહી છે.
ભાજપનો દાવો છે કે મુખ્ય મંત્રી હેમંત સોરેનનું પ્રસ્તાવિત નિવાસ દેશના સૌથી મોંઘા મુખ્ય મંત્રી આવાસોમાંથી એક બની શકે છે. તે તેલંગાણાના સીએમ આવાસ પછી બીજા ક્રમે હોઈ શકે છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ આદિત્ય સાહુએ આરોપ લગાવ્યો કે સોરેન “શીશ મહેલ” જેવી ઇમારત બનાવડાવી રહ્યા છે, જેની કુલ કિંમત રૂ. 100 કરોડથી વધુ પહોંચી શકે છે.
રાજ્ય સરકારે 25 માર્ચે રાંચીના કાંકે રોડ વિસ્તારમાં મુખ્ય મંત્રી આવાસના નિર્માણ માટે ઈ-ટેન્ડર જાહેર કર્યું હતું. ટેન્ડર જમા કરવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ટેન્ડર મુજબ નિર્માણની અંદાજિત કિંમત રૂ. 69 કરોડથી ઓછી છે, પરંતુ ભાજપ નેતા સાહુએ કહ્યું હતું કે આ આંકડામાં આંતરિક સજાવટ અને ફર્નિચરનો ખર્ચ સામેલ નથી, જેને કારણે અંતિમ ખર્ચ ઘણો વધી શકે છે.
ટેન્ડરમાં શું જણાવાયું છે?
ટેન્ડર દસ્તાવેજોમાં GST, કન્સલ્ટન્સી અને અન્ય ચાર્જ સહિત પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત રૂ. 68.91 કરોડ દર્શાવવામાં આવી છે. તેમાં મુખ્ય ઇમારતના નિર્માણ પર રૂ. 47.80 કરોડ ખર્ચાશે. મુખ્ય માળખા સિવાય ફુવારા સહિત પાણીના તળાવ માટે રૂ. 1.99 કરોડ, લેન્ડસ્કેપિંગ અને બાગાયત માટે રૂ. 2.63 કરોડ, ચારેકોર દીવાલ અને ગેટ કોમ્પ્લેક્સ, પાર્કિંગ સુવિધા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણી નિકાસ અને બાહ્ય વીજ વ્યવસ્થા સહિત મૂળ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 56.81 કરોડ થાય છે. GST બાદ આ ખર્ચ રૂ. 67 કરોડથી વધુ થાય છે અને વધારાના ખર્ચ સાથે કુલ અંદાજિત કિંમત રૂ. 68.91 કરોડ સુધી પહોંચી જાય છે.
ભાજપનો વાંધો
ભાજપના પ્રવક્તા પ્રતુલ શાહ દેવે જણાવ્યું હતું કે પાર્ટી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ મુદ્દો ઉઠાવી રહી છે. તેમણે કહ્યું હતું કે અમે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પછી માર્ચમાં કેબિનેટે રૂ. 2 કરોડના ફુવારા અને રૂ. 2.5 કરોડના બગીચાને મંજૂરી આપ્યા બાદ ફરી આ મુદ્દો ઉઠાવ્યો. હવે ટેન્ડર બહાર પડતાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ મોટો મુદ્દો છે.


