બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા હિંદુઓ પર પોલીસનો કહેર

ઇસ્કોનના મહંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વાતાવરણ ગરમાયું છે. હકીકતમાં, ચિત્તગોંગની એક કોર્ટે મંગળવારે ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જામીન નામંજૂર થયા બાદ, દાસના સમર્થકોએ વિરોધ કર્યો અને બાંગ્લાદેશ સરકાર અને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પ્રદર્શનકારીઓએ કોર્ટ પરિસરમાં જેલ વાનને ઘેરી લીધી હતી અને લગભગ અઢી કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે હિંદુ પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી કરી અને લાઠીચાર્જ કર્યો અને સાઉન્ડ ગ્રેનેડ પણ છોડ્યા. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે છ લોકો ઘાયલ થયા છે.

સમર્થકોએ પોલીસ વાનને ઘેરી લીધી હતી

સવારે 10.30 વાગ્યે ચિન્મય કૃષ્ણને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ બપોરે 12.20 કલાકે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના આરોપમાં સોમવારે ઢાકામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ તેમને જેલ વાનમાં લઈ જઈ રહી હતી ત્યારે તેમના સેંકડો સમર્થકોએ વાનને ઘેરી લીધી હતી અને રસ્તા પર સૂઈને વિરોધ કરવા લાગ્યા હતા. પોલીસ દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં, સમર્થકોએ પીછેહઠ કરી ન હતી અને ચિન્મય કૃષ્ણની મુક્તિની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું.

પોલીસે લાઠીચાર્જ કર્યો અને સાઉન્ડ ગ્રેનેડ પણ છોડ્યા

પરિસ્થિતિ વધુ વણસી જતાં પોલીસ અને સરહદ રક્ષકોએ લાઠીચાર્જ કર્યો અને લગભગ 2:50 વાગ્યે સાઉન્ડ ગ્રેનેડ ફેંકીને ભીડને વિખેરી નાખી. દરમિયાન, પ્રદર્શનકારીઓએ જેલ વાનના ટાયર ફાડી નાખ્યા, ત્યારબાદ પોલીસે ચિન્મય કૃષ્ણને તેમની કારમાં ચટગાંવ જેલમાં મોકલી દીધા. ચટગાંવ પોલીસના એડિશનલ ડેપ્યુટી કમિશનર (પ્રોસિક્યુશન) મોફિઝુર રહેમાને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ ચિન્મય કૃષ્ણને જેલમાં મોકલવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમના સમર્થકોએ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ઢાકા ટ્રિબ્યુનના સમાચાર મુજબ પોલીસની આ કાર્યવાહીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને છ લોકો ઘાયલ થયા છે.

શું છે સમગ્ર મામલો?

31 ઓક્ટોબરે ચિત્તગાંવના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ચિન્મય કૃષ્ણ દાસ અને અન્ય 18 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ ચાંદગાંવ મોહલ્લા વોર્ડના બીએનપી નેતા ફિરોઝ ખાને દાખલ કર્યો હતો. જોકે, બાદમાં ફિરોઝ ખાનને BNPમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. ચિન્મય કૃષ્ણના વકીલ સ્વરૂપ કાંતિ નાથે કહ્યું કે મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટમાં તેમના જામીન માટે અપીલ કરવામાં આવી છે, જેની સુનાવણી બુધવારે હાથ ધરવામાં આવશે.