PMAY કૌભાંડ: ઘર ખરીદદારો સાથે 222 કરોડ રૂપિયાની છેતરપિંડી

નવી દિલ્હીઃ પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY)માં થયેલી છેતરપિંડી અને મની લોન્ડરિંગના મામલે ED ટૂંક સમયમાં ઓસિયન સેવન બિલ્ડટેક (Ocean Seven Buildtech Pvt. Ltd- OSBPL) અને તેના વડા સામે ચાર્જશીટ દાખલ કરે એવી શક્યતા છે.

EDના જણાવ્યાનુસાર કંપનીના MD સ્વરાજ સિંહ યાદવે ખોટી પદ્ધતિઓ અપનાવીને 222 કરોડ રૂપિયાની ગેરરીતિઓ આચરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ EDએ આરોપ લગાવ્યો છે કે યાદવે PMAY હેઠળ ઘર ખરીદદારો પાસેથી વસૂલી થયેલી રકમ યોજનાના હેતુઓથી વિરુદ્ધ શેલ કંપનીઓ મારફતે બહાર મોકલી દીધી. આરોપ મુજબ કંપનીએ એક જ ફ્લેટને વારંવાર વધુ કિંમતમાં વેચીને અને કેશ પ્રીમિયમ તરીકે મોટી રકમ વસૂલ કરીને –ડબલ કિંમત વસૂલ કરી હતી.

PMAYને નામે છેતરપિંડી

તપાસ એજન્સી કહે છે કે PMAYના એક ફ્લેટની કિંમત લગભગ 26.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પરંતુ ચુકવણી ન થયાને બહાને કંપનીએ ખરીદદારોનું એલોટમેન્ટ રદ કર્યું અને એ જ ફ્લેટને 40–50 લાખ રૂપિયામાં ફરીથી વેચી દેવામાં આવ્યો. વળી, પહેલા ખરીદદારોને પૈસા પરત પણ આપવામાં આવ્યા નથી.

EDએ વધુમાં જણાવ્યું કે યાદવે પાર્કિંગની વેચાણ પ્રક્રિયામાં પણ બેન્કિંગ ચેનલની બહાર રોકડ પ્રીમિયમ લેવા જેવી ગેરરીતિ અપનાવી હતી. તપાસમાં વધુમાં બહાર આવ્યું કે યાદવે પોતાની પત્નીના બેન્ક ખાતા મારફતે હવાલા પદ્ધતિથી અમેરિકા પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

MD સ્વરાજ સિંહની ધરપકડ

EDએ યાદવને 13 નવેમ્બરે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો છે. EDનું કહેવું છે કે યાદવે છેલ્લા કેટલાક દિવસોમાં ગુડગાંવ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પોતાની વ્યક્તિગત તેમ જ કંપનીની મિલકતો ઝડપથી વેચવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી ગેરકાયદે કમાણી સુરક્ષિત રહી શકે. એજન્સી કંપની અને તેના પ્રમોટરોની મિલકતનું મૂલ્યાંકન કરી રહી છે. જેથી મની લોન્ડરિંગ કાયદા હેઠળ જપ્ત કરી શકાય અને ભવિષ્યમાં પીડિતોને નુકસાનની ભરપાઈ કરવામાં મદદ મળી શકે.