સજા-એ-મોતના ચુકાદા પર PM શેખ હસીનાની પ્રથમ પ્રતિક્રિયા

ઢાકાઃ બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ PM શેખ હસીનાને ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ દ્વારા દોષી ગણવામાં આવ્યાં છે અને તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ટ્રિબ્યુનલે ભૂતપૂર્વ ગૃહ મંત્રી અસદુઝ્જામાન ખાન કમાલને પણ ફાંસીની સજા આપી છે, જ્યારે પૂર્વ મહા પોલીસ નિરીક્ષકને પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

લગભગ 400 પાનાંમાં આ ચુકાદો તૈયાર કરવામાં આવ્યો છે. જસ્ટિસ ગુલામ મુર્તઝાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ સજા સંભળાવી છે. આ સુનાવણીમાં ટ્રિબ્યુનલએ જણાવ્યું હતું કે માનવ અધિકાર સંસ્થાઓ અને અન્ય અનેક સંસ્થાઓની રિપોર્ટો પર વિગતવાર વિચાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટોમાં દરેક પ્રકારની ક્રૂરતાનું વર્ણન છે. કોર્ટે માન્યું છે કે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા. એટલું જ નહીં, કોર્ટએ કહ્યું કે શેખ હસીનાએ બોમ્બ હુમલાઓને મંજૂરી પણ આપી હતી. કોર્ટે આ કેસમાં શેખ હસીના ઉપરાંત પૂર્વ ગૃહ મંત્રી અસદુઝ્જામાન ખાન કમાલ અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબદુલ્લા અલ-મામૂનને પણ આરોપી ગણાવ્યા છે.

આ અંગે આવામી લીગે અગાઉથી જ બાંગ્લાદેશ બંધનું આહ્વાન કર્યું હતું. યુનુસ સરકારે પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે હિંસા કરતી ભીડ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો છે. હાલ માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશે ચાર જિલ્લાઓમાં જવાનોને તૈનાત કરી દીધા છે, જેમાં રાજધાની ઢાકાનો પણ સમાવેશ થાય છે. અગાઉની હિંસામાંથી પાઠ લઈને આ વખતે પ્રદર્શનકારીઓ સાથે સખતાઈથી નિપટવાની સૂચનાઓ આપવામાં આવી છે.

બાંગ્લાદેશ કોર્ટના ચુકાદા બાદ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. હસીનાએ ચુકાદાને પક્ષપાતપૂર્ણ અને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે. શેખ હસીનાના પુત્રએ પહેલાં જ આશંકા વ્યક્ત કરી હતી કે તેમને મોતની સજા થઈ શકે છે અને તે સાચું સાબિત થયું.