PM મોદીના નિવેદનને પગલે PM શાહબાઝે બોલાવેલી NSCની મીટિંગ

ઇસ્લામાબાદઃ પહેલગામમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાઓના જવાબમાં પાકિસ્તાનની ટોચની સુરક્ષા સંસ્થા નેશનલ સિક્યોરિટી કમિટી (NSC)ની બેઠક હાલમાં ઇસ્લામાબાદમાં વડા પ્રધાન શહબાઝ શરીફના અધ્યક્ષસ્થાને ચાલી રહી છે.

આ બેઠકમાં નાગરિક અને સેના સાથે સંબંધિત મુખ્ય હસ્તીઓ હાજર છે. સરકારી રેડિયો પાકિસ્તાન અનુસાર આ બેઠક કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારત તરફથી આવેલા નિવેદનના અનુસંધાનમાં બોલાવવામાં આવી છે.

ભારતની કાર્યવાહી

પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કેટલાંક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, જેમાં સૌથી અગત્યનું 1960ની સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાનો નિર્ણય, રાજનૈતિક સંબંધો ઘટાડવા અને અટારી બોર્ડર ચેકપોસ્ટને બંધ કરવાનો નિર્ણય છે.

તે ઉપરાંત, ભારતે પાકિસ્તાન સરકારના અધિકૃત X (હવે ટવીટર) અકાઉન્ટને બ્લોક કરી દીધું છે અને પાકિસ્તાનના ચાર્જ ધ અફેર્સને દિલ્હી બોલાવ્યા છે.
ભારતનું કહેવું છે કે આ હુમલો પાકિસ્તાન તરફથી થતી સીમા પારની આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકાનું પરિણામ છે, જ્યારે પાકિસ્તાને આરોપોને નકારી કાઢતાં મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી.
ભારતમાં મૃતકોની સંખ્યા 27 છે, જેમાં મોટા ભાગે ભારતીય નાગરિકો અને એક નેપાળી પણ સામેલ છે.

પાકિસ્તાનની પ્રતિક્રિયા

પાકિસ્તાની ઊર્જા પ્રધાન સરદાર અવૈસ લઘારીએ સિંધુ જળ સંધિને ‘જળ યુદ્ધ’ની ઉપમા આપીને ભારતનાં પગલાંને “ભયાનક અને ગેરકાયદે” ગણાવ્યાં છે.
વિદેશ મંત્રી ઇશાક ડારના જણાવ્યા પ્રમાણે ભારતની પ્રતિસાદ “અપરિપક્વ અને ઉતાવળમાં લીધેલો નિર્ણય છે.
ભૂતપૂર્વ રાજદૂત મલિહા લોધીએ કહ્યું હતું કે ભારત હંમેશાં પુરાવા વગર પાકિસ્તાનને દોષી ઠેરવે છે.

ભૂતપૂર્વ રેલમંત્રી ખ્વાજા સાદ રફીકે પણ ભારતના પગલાંને દુર્ભાગ્યપૂર્ણ અને પુરાવા વગર લીધેલો ગણાવ્યો છે અને ઉમેર્યું કે આ સંધીને એકતરફી રીતે સસ્પેન્ડ નહીં કરી શકાય, કારણ કે તે વર્લ્ડ બેન્કની મધ્યસ્થીતામાં બનેલી છે અને આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવે છે.