બનાસકાંઠામાં પીએમ મોદીનો રોડ શોઃ રૂ. 14,000 કરોડથી વધુની યોજનાઓની ભેટ

બનાસકાંઠાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર અને શનિવારે ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે બનાસકાંઠામાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે રોડ શો કર્યો હતો. આ ઉપરાંત પીએમ મોદી બનાસકાંઠાના ભીલડી ખાતે રૂ. 14,000 કરોડથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

આ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 24મો હપતો પણ જાહેર કરવામાં આવશે, જે અંતર્ગત આશરે રૂ. 19,000 કરોડની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીના અવસરે એકતાનગરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. . આ ઉપરાંત નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવવામાં આવશે અને અમદાવાદ મેટ્રોના વિસ્તરણનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.

ખેડૂતોના ખાતામાં આવશે રૂ. 19,000 કરોડ

ગુજરાત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન પીએમ કિસાન યોજનાનો 24મો હપતો જાહેર કરશે. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે. કુલ મળીને આશરે રૂ. 19,000 કરોડની રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની આર્થિક સહાય ત્રણ હપતામાં આપવામાં આવે છે.

અમદાવાદ મેટ્રોનું થશે વિસ્તરણ

પીએમ મોદી અમદાવાદ મેટ્રોના ફેઝ 2A અને ફેઝ 2Bનો શિલાન્યાસ કરશે. ફેઝ 2Aમાં કોતેશ્વર રોડથી એરપોર્ટ સુધી છ કિલોમીટરથી વધુ લાંબો મેટ્રો રૂટ બનાવવામાં આવશે, જેમાં પાંચ સ્ટેશન હશે. જ્યારે ફેઝ 2B હેઠળ ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3.3 કિલોમીટરથી વધુ લાંબો મેટ્રો કોરિડોર વિકસાવવામાં આવશે. તેમાં ત્રણ સ્ટેશન હશે.

અમદાવાદ-મહેસાણા રોડ આઠ લેનનો બનશે

વડા પ્રધાન આશરે રૂ. 2600 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા રોડને ચાર લેનમાંથી આઠ લેનમાં પરિવર્તિત કરવાની યોજનાનો શિલાન્યાસ પણ કરશે.

આંગણવાડી અને કૃષિ ક્ષેત્રને પણ મળશે ભેટ

ગુજરાતમાં 4030 નવા બાળમૈત્રીપૂર્ણ આંગણવાડી કેન્દ્રોનો શિલાન્યાસ કરવામાં આવશે અને તૈયાર થયેલા 361 કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. આશરે રૂ. 800 કરોડના આ પ્રોજેક્ટથી 4 લાખથી વધુ લોકોને લાભ મળવાની આશા છે. આ ઉપરાંત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ પૂર્ણ થયેલા 521 પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ આશરે રૂ. 4950 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાં કોલ્ડ સ્ટોરેજ, ગોડાઉન, ગ્રીનહાઉસ અને ફૂડ પ્રોસેસિંગ કેન્દ્રોનો સમાવેશ થાય છે.

એકતાનગરમાં યોજાશે ભારત પર્વ 2026

31 ઓક્ટોબરે વડા પ્રધાન એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ભારત પર્વ 2026નું ઉદ્ઘાટન પણ કરશે. આ ઉત્સવ 15 નવેમ્બર સુધી ચાલશે. તેમાં દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, લોકનૃત્ય, ખાનપાન અને હસ્તકલાની ઝલક જોવા મળશે.