PM મોદી આવશે ગુજરાત મુલાકાતે

વડાપ્રધાન મોદી ફરી એકવખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા.16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણને આકર્ષવા માટે GLOBAL RE-INVEST MEET-2024 યોજાશે તેમ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.16 સપ્ટેમ્બરના રોજ આ ઇન્વેસ્ટર્સ સમિટનો શુભારંભ કરાવશે. જ્યારે, તા. 18 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. વર્ષ 2014માં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા માત્ર 76 ગીગા વોટ હતી, જે આજે વધીને 203 ગીગા વોટ સુધી પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 500 ગીગા વોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતને આશરે રૂ. 30 લાખ કરોડના રોકાણની જરૂરિયાત છે.

ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં અને વડાપ્રધાનના 500 ગીગા વોટના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં RE-INVEST-2024 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેમ કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, પ્રથમવાર RE-INVEST સમિટ દિલ્હીથી બહાર, ગુજરાતમાં યોજાઈ રહી છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારની સરાહનીય કામગીરીને પગલે, RE-INVESTના ચોથા સંસ્કરણના આયોજન માટે ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજરાતમાં યોજાનારી ત્રિદિવસીય RE-INVEST સમિટ દરમિયાન વિવિધ વિષયો પર 40થી વધુ સેશન યોજાશે. સાથે જ, સ્ટાર્ટઅપ અને મહિલાલક્ષી વિશેષ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમિટમાં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, નોર્વે, સિંગાપોર, અમેરિકા, ઓમાન સહિત અનેક દેશના ડેલીગેશન ભાગ લેશે. કેટલાક દેશના ડેલીગેશન સાથે મંત્રીઓ પણ ગુજરાત પધારશે. તદુપરાંત ભારતના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, મંત્રી સહિતના ડેલીગેશન, વિવિધ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ, બેન્કો, મેન્યુફેકચરર પણ આ સમિટમાં સહભાગી થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, આ ત્રિ-દિવસીય સમિટ દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને દર્શાવતું એક્ઝિબિશન પણ યોજાશે. જેમાં ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય ઉપરાંત વિવિધ રાજ્યોના પ્રદર્શનો તેમજ વિવિધ કંપનીઓના પ્રદર્શનો યોજાશે. સાથે જ, B2B, B2G અને G2G મિટિંગ પણ યોજાશે.