નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇથિયોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતાં કહ્યું હતું કે આ ભવ્ય ઇમારતમાં તમે કાયદાઓ બનાવો છે, અહીં લોકોની ઇચ્છા રાજ્યની ઇચ્છા બને છે અને જ્યારે રાજ્યની ઇચ્છા લોકોની ઇચ્છા સાથે મેળ ખાતી થાય છે, ત્યારે વિકાસ યોજનાઓનું ચક્ર આગળ વધે છે. તમારા માધ્યમથી હું ખેતરોમાં મહેનત કરતા ખેડૂતો, નવા વિચારો સર્જતા ઉદ્યોગકારો, સમુદાયોને નેતૃત્વ આપતી મહિલાઓ અને ભવિષ્યને આકાર આપતા ઇથિઓપિયાના યુવાનો સાથે પણ સંવાદ કરી રહ્યો છું. PM મોદીએ પોતાનું ભાષણ પૂર્ણ કર્યું ત્યારે એક મિનિટ સુધી સતત તાળીઓ વાગતી રહી.
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇથિયોપિયા પહોંચ્યા બાદ વડા પ્રધાન અબી અહમદ અલી પોતે જ PM મોદીના ભવ્ય સ્વાગત માટે હાજર રહ્યા હતા. PM મોદી વડા પ્રધાન અલીના આમંત્રણ પર ઇથિયોપિયાની મુલાકાતે આવ્યા છે. ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઇથિયોપિયાની આ વડા પ્રધાન મોદીની પ્રથમ યાત્રા છે.
ઇથિયોપિયાની સંસદમાં PM મોદીનુ સંબોધન
ઇથિયોપિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધતાં PM મોદીએ કહ્યું હતું કે આજે તમારી સામે ઊભા રહેવું મારા માટે અત્યંત ગૌરવની વાત છે. સિંહોની ધરતી ઇથિયોપિયામાં આવીને મને ખૂબ આનંદ થાય છે. અહીં મને પોતીકાપણાનો અનુભવ થાય છે, કારણ કે મારું ગૃહ રાજ્ય ગુજરાત પણ સિંહોનું ઘર છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ઇથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન મળવું ગૌરવની ક્ષણ છે. તેમણે જણાવ્યું કે આ સન્માન મારું નહીં, પરંતુ તમામ ભારતીયોનું સન્માન છે.
ભારત અને ઇથિયોપિયા પોતાની જમીનને ‘મા’ કહે છે
PM મોદીએ કહ્યું હતું કે ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ અને ઇથિયોપિયાનું રાષ્ટ્રગાન—બન્ને અમારી જમીનને મા તરીકે સંબોધે છે. તે અમને અમારી વારસા, સંસ્કૃતિ અને સૌંદર્ય પર ગર્વ કરવાનું તેમ જ માતૃભૂમિની રક્ષા કરવા પ્રેરણા આપે છે.
It was a great honour and privilege to address the Ethiopian Parliament this morning. Ethiopia’s rich history, culture and spirit inspire deep respect and admiration. I conveyed India’s commitment to further strengthening our partnership, guided by shared values, mutual trust and… pic.twitter.com/pxvvvrZ083
— Narendra Modi (@narendramodi) December 17, 2025
ભારતીય કંપનીઓએ ઇથિયોપિયામાં સૌથી મોટી રોકાણકર્તા
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતીય કંપનીઓ ઇથિયોપિયામાં સૌથી મોટા રોકાણકારોમાંની એક છે. આ કંપનીઓએ વિવિધ સેક્ટરોમાં પાંચ અબજ ડોલરથી વધુ મૂડીરોકાણ કર્યું છે અને 75,000થી વધુ નોકરીઓ પેદા કરી છે. અમે બંને દેશોના દ્વિપક્ષી સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે ભારત અને ઇથિપિયામાં હવામાન અને ભાવનાઓ—બન્નેમાં ઉષ્મા છે. તેમણે ઉમેર્યું હતું કે હું તમારી સંસદ, તમારા લોકો અને તમારી લોકશાહી યાત્રા પ્રત્યે ઊંડા સન્માન સાથે અહીં આવ્યો છું. ભારતના 1.4 અબજ લોકો તરફથી હું મિત્રતા, સદભાવના અને ભાઈચારાનો સંદેશ લઈને આવ્યો છું.


