વિજય રૂપાણીને યાદ કરીને ભાવુક થયા PM મોદી

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભૂતપૂર્વ CM વિજય રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ભૂતપૂર્વ CM વિજય રૂપાણી પણ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 241 યાત્રીઓમાં સામેલ હતા. ભાજપ નેતાને શ્રદ્ધાંજલિ આપતાં PM મોદીએ જણાવ્યું હતું કે રૂપાણી એક વિનમ્ર અને મહેનતી વ્યક્તિ હતા અને પાર્ટીની વિચારધારામાં સંપૂર્ણ સમર્પિત હતા.

PM મોદીએ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે વિજયભાઈ રૂપાણીજીના પરિવાર સાથે મુલાકાત કરી. આ અવિશ્વસનીય છે કે વિજયભાઈ હવે આપણા વચ્ચે નથી. હું તેમને દાયકાઓથી જાણું છું. અમે ખભેખભો મિલાવીને કામ કર્યું છે, તેમાં સૌથી પડકારજનક સમય પણ સામેલ છે. વિજયભાઈ વિનમ્ર અને મહેનતી હતા અને પાર્ટીની વિચારધારામાં પૂર્ણ રીતે સમર્પિત હતા.

PM મોદીએ કહ્યું હતું કે વિજય રૂપાણીએ સતત આગળ વધતાં પાર્ટી સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી હતી અને ગુજરાતના CM તરીકે કુશળતાપૂર્વક કાર્ય કર્યું હતું. તેમણે જુદાં-જુદાં પદો પર રહીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું  હતું.  પછી તે રાજકોટ નગરપાલિકા હોય, રાજ્યસભાના સાંસદ તરીકે હોય, ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે હોય કે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે હોય.

વડા પ્રધાને ઉમેર્યું હતું કે જયારે વિજયભાઈ ગુજરાતના CM હતા ત્યારે મેં અને તેમણે મળીને અનેક પ્રકારના વિકાસનાં પગલાં લીધાં, ખાસ કરીને લોકોના જીવનને સરળ બનાવવા માટે. અમારા વચ્ચે થયેલી વાતચીત હંમેશાં યાદગાર રહેશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવારજનો અને મિત્રોના સહારે છે. ૐ શાંતિ.