PM મોદી પપુઆ ન્યુ ગિની પહોંચ્યા, વડા પ્રધાન જેમ્સ મારાપેએ ચરણ સ્પર્શ કરીને કર્યું સ્વાગત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા માટે રવિવારે પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતા. PM મોદી FIPIC સમિટમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યૂ ગિની પહોંચી ગયા છે. જ્યાં તેમનું પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાપુઆ ન્યુ ગીનીના વડાપ્રધાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા.

PM મોદીનું પાપુઆ ન્યુ ગિનીના મોરેસ્બી (જૅક્સન) ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરંપરાગત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં એનઆરઆઈ ત્યાં હાજર હતા. પીએમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. PM 22 મેના રોજ પાપુઆ ન્યૂ ગિનીમાં તેમના સમકક્ષ જેમ્સ મારાપે સાથે ત્રીજી ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) સમિટનું આયોજન કરશે.

પીએમ જાપાનથી પપુઆ ન્યુ ગિની પહોંચ્યા

ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં મોદી પાપુઆ ન્યુ ગિની પહોંચી ગયા છે. કોઈપણ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગીનીની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન જાપાનથી અહીં પહોંચ્યા હતા જ્યાં તેમણે G-7 સમિટમાં હાજરી આપી હતી અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. FIPICની રચના 2014માં વડાપ્રધાન મોદીની ફિજીની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.


જેમાં 14 દેશોના નેતાઓ ભાગ લેશે

FIPIC સમિટમાં 14 દેશોના નેતાઓ ભાગ લેશે. સામાન્ય રીતે કનેક્ટિવિટી અને અન્ય સમસ્યાઓને કારણે આ બધા ભાગ્યે જ એકસાથે જોવા મળે છે. પીઆઈસીમાં કુક ટાપુઓ, ફિજી, કિરીબાતી, માર્શલ ટાપુઓ, માઇક્રોનેશિયા, નૌરુ, નિયુ, પલાઉ, પાપુઆ ન્યુ ગિની, સમોઆ, સોલોમન ટાપુઓ, ટોંગા, તુવાલુ અને વનુઆતુનો સમાવેશ થાય છે. પીએમ મોદી મારાપે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને પાપુઆ ન્યુ ગિનીના ગવર્નર જનરલ બોબ ડેડને પણ મળશે.