થાઈલેન્ડ: BIMSTEC સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશ સરકારના વચગાળાના સલાહકાર મુહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ. આ ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી. તેમજ બાંગ્લાદેશની વચગાળાની સરકાર આ મામલે યોગ્ય જવાબદારી નિભાવશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી.કેન્દ્ર સરકારના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓના જે હાલ છે, તે મુદ્દાને વડાપ્રધાન મોદીએ યુનુસ સમક્ષ ઉઠાવ્યો છે. ચિંતા વ્યક્ત કરતાં PM મોદીએ અપેક્ષા વ્યક્ત કરી છે કે, બાંગ્લાદેશની સરકાર આ મામલે યોગ્ય કામગીરી કરતાં સારી રીતે જવાબદારી નિભાવશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ લોકતાંત્રિક, સ્થાયી, શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને વધુ સમાવેશી બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનની પ્રતિબદ્ધતા દર્શાવી છે. બાંગ્લાદેશ સાથે વધુ સકારાત્મક અને નિર્ણાયક સંબંધ સ્થાપિત કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
PMએ હસીના મામલે જવાબ આપવાનું ટાળ્યું
મિસ્રીએ જણાવ્યું હતું કે, આ વાતચીત દરમિયાન યુનુસે શેખ હસીનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ વડાપ્રધાન મોદીએ કંઈ પણ કહેવું યોગ્ય ન હોવાનું જણાવી આ વાત ટાળી હતી. મોદીએ કહ્યું કે, આ પ્રકારના નિવેદનોથી દૂર રહેવુ જોઈએ. જેનાથી કારણ વિનાના દ્વિપક્ષીય સંબંધ ખરાબ થઈ શકે છે. યુનુસે ભારતની નબળાઈઓ ગણાવી
યુનુસ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરતાં ભારતની નબળાઈઓ ગણાવી વિવાદમાં મૂકાયા હતા. યુનુસે ચીનને બાંગ્લાદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપતાં કહ્યું કે, બાંગ્લાદેશમાં બિઝનેસ કરવા માટે વિશાળ તકો છે. આ ક્ષેત્રમાં દરિયાનું એક માત્ર ગાર્જિયન ઢાકા છે. જ્યારે ભારતના પૂર્વોત્તર રાજ્યો તો ચારેબાજુથી ભૂ-વિસ્તારથી ઘેરાયેલા છે. તેની નજીક દરિયાઈ માર્ગ નથી. એક માત્ર બાંગ્લાદેશ પાસે દરિયાઈ માર્ગ હોવાથી અમારે ત્યાં રોકાણ કરો.
હસીનાના સત્તાપલટા બાદ હુમલા
ગત વર્ષે બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તાપલટા બાદ હિન્દુઓ સહિત લઘુમતીઓ પર હુમલાનું પ્રમાણ વધ્યું હતું. ભારત સહિત વિશ્વના દેશોએ આ મામલે ચિંતા વ્યક્ત કરી બાંગ્લાદેશની વચગાળાની સરકારને વખોડી હતી.
