અમદાવાદઃ વિમાન દુર્ઘટના થઈ એ સંકુલની અંદર અને બહાર પુરજોશમાં કામગીરી ચાલતી હતી એ દરમિયાન પરસેવે રેબઝેબ દોડાદોડ આવેલો એક યુવાન બોલ્યો..! મારે લોહી આપવું છે…?
આવા અનેક યુવાનો દુર્ઘટના બાદ લોહી આપવા તૈયાર થઈ ગયા હતા. અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલના 1200 બેડની હોસ્પિટલમાં ઘણા જાગ્રત યુવાનોએ લોહી આપ્યું હતું. શહેરના બિઝનેસમેન પૂર્વેશ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, મેં આ હ્રદય કંપાવનારી દુર્ઘટના બાદ સિવિલમાં રક્તદાન કર્યું. જ્યારે પણ કુદરતી હોનારત કે અન્ય કોઈ ઘટના બને ત્યારે સ્વેચ્છાએ સૌએ રક્તદાન કરવું જોઈએ, કારણ કે મોટી હોનારત વેળાએ લોહીની જરૂરિયાત ઊભી થાય છે. મારી દીકરી ડોક્ટરનો અભ્યાસ કરી રહી છે એણે પણ ઘણા લોકોને રક્તદાન માટે પ્રેરણા આપી સમજાવ્યા હતા.
શહેરમાં 14 જૂન શનિવારની સવારે નવથી પાંચ દરમિયાન SVP હોસ્પિટલમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિમાન દુર્ઘટના થયા બાદ મોટી સંખ્યામાં યુવાનો નાગરિકો રક્તદાનમાં જોડાયા. ઘણા યુવાનોનું હિમોગ્લોબીન ઓછું હતું, અશક્ત હતા. એમને પાછા જવું પડ્યું, પરંતુ એમણે પૂરતો જુસ્સો બતાવી તંદુરસ્ત લોકોને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)
