રાજ્યભરના વ્યાયામ શિક્ષકોનું આંદોલન, કાયમી ભરતી અને પગાર સહિતની માગણીઓ

ગાંધીનગર: એક તરફ આરોગ્યકર્મીઓ છેલ્લાં આઠ દિવસથી આંદોલન કરી રહ્યા છે. બીજી બાજુ વ્યાયામ શિક્ષકો પણ પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શ શરૂ કર્યું છે. આંદોલનકારીઓનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. જેથી સરકારે કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે.

આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તો વ્યાયામ શિક્ષકો પણ પોતાની માગને લઈને અડગ છે અને માગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ તેવી ચિમકી ઉચ્ચારી છે.

ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકો માટે ‘ખેલ સહાયક યોજના’ અમલમાં મૂકી છે જેનો તે સ્વીકાર્ય કરી રહ્યા નથી. આ યોજના વ્યાયામ શિક્ષકો અને રાજ્યની તમામ શાળાઓના બાળકોના હિતમાં નથી. બાળકને રમતના નિયમો શીખવાડવામાં આવી રહ્યા હોય, અને એક લેવલ સુધી બાળક આગળ વધી રહ્યું હોય ત્યાં સુધીમાં તો કરાર આધારિત વ્યાયમ શિક્ષકને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવે છે. જેથી બાળક બીજા લેવલ સુધી આગળ વધી શકતું નથી. આ યોજનામાં વ્યાયામ શિક્ષકોને ખૂબ જ અન્યાય અને શોષણ થઇ રહ્યું છે.

વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે ‘આ યોજનામાં શાળાના બાળકો અને વ્યાયામ શિક્ષકોનું હિત જળવાતું નથી. 11 માસના કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં રાજ્યના તમામ ખેલ સહાયક માટે રજાના નિયમો એક સરખા નથી. 11 મહિનામાં વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય તે અંગે કોઇ ખુલાસો નથી. ખેલ સહાયકને 11 માસ પૂરા થયા વગર જ કોઈ પણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છુટા કરી દેવામા આવે છે’.

રાજ્યમાં ખેલ સહાયકને લઈને કોઈ પણ અધિકારી પાસે કોઈ પણ માહિતી નથી. રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં અમુક જિલ્લાઓમાં પૂરો પગાર ચૂકવવામાં આવે છે, જ્યારે અમુક જિલ્લાઓમાં પગાર થતો જ નથી. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ખેલ સહાયકને છુટ્ટા કરવાનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે. જ્યારે પ્રાથમિક વિભાગનો કોઈ જ પરિપત્ર થયો નથી. નવેસરથી રિન્યૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જોકે તેની કોઇ જરૂર જણાતી નથી.